News of Monday, 2nd November 2026
એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું સન્માન:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૯.૨૭ કરોડથી વધુની પ્રોત્સાહક ઇનામી રકમ અને ચેકનું વિતરણ
આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને રાજ્યનું નામ રોશન કરનાર ૧૮ ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા:ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓ તેમજ પ્રતિસ્પર્ધી સહભાગીઓને પ્રેરણાદાયી સહાય અર્પણ:ગુજરાતના ખેલાડીઓનું સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર :આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી દેશ અને ગુજરાત રાજ્યનું નામ ગૌરવન્વિત કરનાર એશિયન ગેમ્સ તથા પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે સમર્પણ, દ્રઢ સંકલ્પ અને ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવતા રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૮ જેટલા ખેલાડીઓને રૂ. ૯.૨૭ કરોડથી વધુની રોકડ રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "ગુજરાતના યુવા ખેલાડીઓએ પોતાના અડગ મનોબળ અને સખત પરિશ્રમના બળે આંતરરાષ્ટ્રીય મંચ પર ત્રિરંગો લહેરાવ્યો છે. રમતવીરોની આ ઐતિહાસિક સિદ્ધિ આવનારી નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે અને દેશના રમતગમતના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે. રાજ્ય સરકાર ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ, માળખાગત સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામી રકમ એનાયત કરવામાં આવી હતી, જેમાં ક્રિકેટ ક્ષેત્રે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને પ્રત્યેકને રૂ. ૬૬ લાખ તેમજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના રાધા યાદવને રૂ. ૬૬ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પેરા એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પેરા એથ્લેટિક્સ ખેલાડી અંજનાબેન રોહિતભાઈ બુંબડીયાને ગોલ્ડ મેડલ બદલ રૂ. ૨ કરોડ, નિમિષા સી.એસ.ને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ બદલ રૂ. ૧ કરોડ, તેજલબેન ડામોરને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે કુલ રૂ. ૧.૫ કરોડ તેમજ રાકેશભાઈ ધનજીભાઈ ભટ્ટને ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં બે બ્રોન્ઝ મેડલ બદલ કુલ રૂ. ૧ કરોડ અર્પણ કરાયા હતા.
પેરા ટેબલ ટેનિસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભાવિનાબેન પટેલને બે બ્રોન્ઝ મેડલ માટે કુલ રૂ. ૭૫ લાખ અને સોનલબેન પટેલને બ્રોન્ઝ મેડલ માટે રૂ. ૫૦ લાખ એનાયત કરવામાં આવ્યા હતા. ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતનાર માનુષ શાહને રૂ. ૨૫ લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિવિધ રમતોમાં સહભાગી થયેલા ખેલાડીઓ પૈકી માનવ ઠક્કરને રૂ. ૫ લાખ, હરમીત દેસાઈને રૂ. ૨.૫ લાખ, આર્યન નેહરાને રૂ. ૫ લાખ, અંકિતા રૈનાને રૂ. ૨.૫ લાખ, અનિકેત પટેલને રૂ. ૨.૫ લાખ, મિતવા ચૌધરીને રૂ. ૫ લાખ, ભાવિકકુમાર ભરવાડને રૂ. ૫ લાખ અને વિષ્ણુ વાઘેલાને રૂ. ૧.૬૫ લાખની આર્થિક સહાય આપી વિશેષ બહુમાન કરાયું હતું.
વિશેષ નોંધનીય બાબત એ છે કે જે ખેલાડીઓ રમતગમતની વ્યસ્તતા કે અન્ય કારણોસર આ સન્માન સમારોહમાં રૂબરૂ ઉપસ્થિત રહી શક્યા ન હતા, તે તમામ ખેલાડીઓને ઇનામની પ્રોત્સાહક રકમ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેલાડીઓ, કોચ અને પ્રતિનિધિઓએ રાજ્ય સરકારના આ પ્રોત્સાહક અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
