<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારી:બેંગ્લુરુના મુસાફરની 53.34 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત પરત કરાઈ

શૈલેષભાઈ એરપોર્ટ બહાર નીકળતી વખતે આ કિંમતી બેગ અરાઇવલ ગેટ પાસે ભૂલી ગયા હતા: CISF ના અધિકારીઓએ જરૂરી દસ્તાવેજો અને ઓળખની ચકાસણી કર્યા બાદ, રૂ. 53.34 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ તેમને સુરક્ષિત રીતે સુપ્રત કરી

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ખાખી વર્દીની પ્રામાણિકતા અને ઈમાનદારી ઉદાહરણ પૂરું પાડતો એક અત્યંત પ્રશંસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઈએસએફ (CISF)ના જવાનોએ અપ્રતિમ ઈમાનદારી દાખવીને એક મુસાફરની લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી હેન્ડબેગ સહીસલામત પરત કરી છે. આ કિંમતી સામાન પાછો મળતા મુસાફરના જીવમાં જીવ આવ્યો હતો, અને તેમણે જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરત એરપોર્ટના અરાઇવલ ગેટની બહાર ફરજ પર તૈનાત CISF ના જવાનોને એક બિનવારસી હેન્ડબેગ મળી આવી હતી. સુરક્ષાના પ્રોટોકોલ હેઠળ જવાનોએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી બેગની તપાસ કરી હતી. જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ નાની હેન્ડબેગની અંદર અંદાજે રૂ. 53.34 લાખની કિંમતના સોનાના કિંમતી દાગીના અને રૂ. 30,000 ની રોકડ રકમ રાખેલી હતી.

CISF એ એરપોર્ટના સીસીટીવી અને મુસાફરોના ડેટાની તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ બેગ બેંગલુરુથી ફ્લાઇટ પકડીને સુરત આવેલા મુસાફર શૈલેષ પ્રેમપ્રકાશ ગુપ્તાની હતી. શૈલેષભાઈ એરપોર્ટ બહાર નીકળતી વખતે ઉતાવળમાં પોતાની આ કિંમતી બેગ અરાઇવલ ગેટ પાસે જ ભૂલી ગયા હતા.

સાચી માહિતી મળતા જ એરપોર્ટ સત્તાધીશોએ મુસાફર શૈલેષ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. શૈલેષભાઈ તાત્કાલિક એરપોર્ટ પર દોડી આવ્યા હતા. CISF ના અધિકારીઓએ નિયમ મુજબ જરૂરી દસ્તાવેજો અને ઓળખની ચકાસણી કર્યા બાદ, રૂ. 53.34 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ તેમને સુરક્ષિત રીતે સુપ્રત કરી હતી. લાખો રૂપિયાની કિંમતનો પોતાનો સામાન સહીસલામત અને એકપણ વસ્તુની ઘટ વિના પાછો મળતા મુસાફરે CISF ના જવાનોની પ્રામાણિકતા અને સતર્કતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ સુરત એરપોર્ટની આ ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે.

(8:14 PM IST)