News of Monday, 11th May 2026
સુરતના કામરેજમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 5 બાંગ્લાદેશી લલનાઓ સહિત 11 ઝડપાયા!
'અનમોલ વેલનેસ'ના ઓઠા હેઠળ ખેલાતો હતો કાળો કારોબાર; ડમી ગ્રાહક મોકલી કામરેજ પોલીસે આખા નેટવર્કને દબોચ્યું, હ્યુમન ટ્રાફિકિંગના એંગલથી તપાસ શરૂ

સુરત :: સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરના નામે ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર પોલીસે લાલ આંખ કરી છે. કામરેજ પોલીસે બાપાસીતારામ ચોક વિસ્તારમાં આવેલા એમ.જી. ડ્રીમ કોમ્પ્લેક્ષમાં ઓચિંતો દરોડો પાડીને મોટા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં વિદેશી લલનાઓની સંડોવણી સામે આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. 'અનમોલ વેલનેસ' નામે ચાલતા આ સેન્ટરમાં મસાજની આડમાં દેહવ્યાપારનું રેકેટ ધમધમતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
ડમી ગ્રાહકની જાળમાં ફસાયા સંચાલકો
કામરેજ પોલીસને માહિતી મળી હતી કે કોમ્પ્લેક્ષના ત્રીજા માળે વિદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. બાતમીની સચોટતા ચકાસવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને સેન્ટર પર મોકલ્યો હતો. સંચાલકોએ જેવો સોદો નક્કી કર્યો કે તુરંત બહાર ઉભેલી પોલીસની ટીમે અંદર ધસી જઈને રંગેહાથ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીથી કોમ્પ્લેક્ષના અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.
5 બાંગ્લાદેશી મહિલાઓ અને 6 ગ્રાહકો દબોચાયા
પોલીસને દરોડા દરમિયાન સ્થળ પરથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી, જેમને આ વ્યવસાયમાં ધકેલવામાં આવી હોવાની આશંકા છે. આ ઉપરાંત, પોલીસના હાથે 'મજા' માણવા આવેલા ૬ ગ્રાહકો પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલી વિદેશી મહિલાઓ પાસે કાયદેસરના વિઝા કે પાસપોર્ટ છે કે કેમ અને તેઓ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને સુરત સુધી કેવી રીતે પહોંચી, તે દિશામાં સુરત ગ્રામ્ય પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
માનવ તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા
વિદેશી મહિલાઓની હાજરીને કારણે હવે આ મામલે 'હ્યુમન ટ્રાફિકિંગ' (માનવ તસ્કરી) ના એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગોરખધંધો ચલાવનાર મુખ્ય સૂત્રધાર કોણ છે? આ મહિલાઓને કોણ લાવ્યું હતું? અને સુરતમાં અન્ય કયા સ્થળોએ આવા અડ્ડાઓ ચાલે છે? તે જાણવા પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી છે. આગામી દિવસોમાં કામરેજ અને આસપાસના વિસ્તારોમાં ધમધમતા અન્ય સ્પા સેન્ટરો પર પણ પોલીસનું સર્ચ ઓપરેશન તેજ બને તેવી શક્યતા છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
