News of Friday, 31st July 2026
સુરતમાં તોફાની વરસાદ : બારડોલીના રેલવે અંડરપાસમાં 5 ફૂટ પાણી ભરાયા : વાહન વ્યવહાર બંધ કરાયો
પુનિત ઇંગ્લિશ સ્કૂલ પાસે આવેલા માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી

સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને સતત વરસી રહેલા મુસળધાર વરસાદને લીધે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે.
પાણી ભરાવાના કારણે નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ભારે પાણી વસાવ્યું છે. બારડોલીથી બાબેન ગામને જોડતા મહત્વના રેલવે અંડરપાસની અંદર અંદાજે પાંચ ફૂટ જેટલા ઊંડા પાણી ભરાઈ ગયા છે.
અંડરપાસ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લઈને આ રેલવે અંડરપાસને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ભરાવાને કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોએ લાંبا ચક્કર કાપવાની ફરજ પડી છે. આ ઉપરાંત બારડોલી નગરના મુખ્ય વિસ્તારો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે.
ખાસ કરીને પુનિત ઇંગ્લિશ સ્કૂલ પાસે આવેલા માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદના લીધે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય રાહદારીઓ અટવાયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમો દ્વારા ભરાયેલા પાણીના નિકાલ માટે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ વરસાદનું જોર યથાવત રહેતા મુશ્કેલીઓ યથાવત છે.
સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ, ખેડાના વસોમાં 7 ઇંચ વરસાદથી પાણી-પાણી થયું, બોરસદ, નડિયાદમાં સાડા 5 ઇંચ વરસાદ, ખંભાતમાં 5 ઇંચ વરસાદથી પાણી-પાણી. સાગબારા, ગરુડેશ્વર, આણંદમાં 5 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 4 થી સાડા 4 ઇંચ વરસાદ, 20 તાલુકામાં 3 થી સાડા 3 ઇંચ વરસાદ અને અન્ય તાલુકામાં 1 થી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
