<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અમદાવાદના આંબાવાડી ખાતે ભારે વરસાદથી નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી: ફાયર વિભાગે 20 લોકોને સહીસલામત ઉગાર્યા

જમીન ધોવાતાં કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ કડાકાભેર તૂટી પડી :ફસાયેલા આશરે 20 જેટલા લોકોને ફાયરની ટીમે સહીસલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા

અમદાવાદ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે આંબાવાડી વિસ્તારમાંથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિશ્વરૂપ સોસાયટી નજીક ચાલી રહેલા એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર જમીન ધોવાઈ જવાના કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. ઘટના અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જોખમમાં મુકાયેલા 20 જેટલા લોકોનો આબાદ બચાવ કર્યો હતો.

અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને આંબાવાડી, વિશ્વરૂપ સોસાયટી નજીક ચાલી રહેલા બિલ્ડિંગ નિર્માણના કામ દરમિયાન દીવાલ ધરાશાયી થવા અંગેનો ઇમરજન્સી રેસ્ક્યુ કોલ મળ્યો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસની માટી અને જમીનનું ભારે ધોવાણ થયું હતું. આ ધોવાણના કારણે બિલ્ડિંગના C-1 બ્લોક પાસે આવેલી કોંક્રીટની દીવાલનો મોટો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો, જેનાથી ત્યાં હાજર શ્રમિકો અને અન્ય લોકોની સલામતી અત્યંત જોખમમાં મુકાઈ ગઈ હતી.

દીવાલ તૂટી પડતાં જ કન્સ્ટ્રક્શન સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થળ પર પહોંચેલી અમદાવાદ ફાયર વિભાગની ટીમે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોખમી અને કાટમાળવાળા વિસ્તારમાં ફસાયેલા આશરે 20 જેટલા લોકોને ફાયરની ટીમે સહીસલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

તૂટેલી દિવાલ કે કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલ નથી ને, તે સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ઊંડાણપૂર્વક સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું.

 

 

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર તથા એડિશનલ ચીફ ફાયર ઓફિસર પોતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે રૂબરૂ હાજર રહીને સમગ્ર રેસ્ક્યુ અને સલામતીની કામગીરીનું સીધું સુપરવિઝન કર્યું હતું.

બિલ્ડિંગના બાંધકામની માળખાકીય સ્થિતિ, પાયાની મજબૂતી અને આસપાસના રહેણાંક વિસ્તારની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે.

એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટની મંજૂરીઓ, સલામતીના નિયમોનું પાલન અને જમીન ધોવાણના કારણો અંગેની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથે જ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જરૂરી કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી

(12:09 AM IST)