<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જોધપુરની સોસાયટીના બેઝમેન્ટમાં ગાડીઓ એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાઈ

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જોધપુરની અર્થ-12 એલિગન્સ સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ઘૂસતાં લક્ઝુરિયસ ગાડીઓનો હાલ જોઈ રહીશોના જીવ અદ્ધર થઈ ગયા

અમદાવાદ: શહેરમાં પડેલા ભારે વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, ત્યારે જોધપુર વોર્ડમાં આવેલા ‘અર્થ-12 એલિગન્સ’ સોસાયટીમાંથી ગંભીર નુકસાનના દૃશ્યો સામે આવ્યા છે. વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ છે. બેઝમેન્ટમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાઈ જવાથી કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડીઓ એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાઈ હતી અને ગાડીઓના ઢગલા થઈ ગયા હતા.

   ભારે વરસાદના પગલે જોધપુર વિસ્તારમાં આવેલા ‘અર્થ-12 એલિગન્સ’ કૉમ્પ્લેક્સના બેઝમેન્ટમાં જોતજોતામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બેઝમેન્ટમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે સ્થાનિક રહીશો પોતાના વાહનો સલામત સ્થળે ખસેડે તે પહેલાં જ સમગ્ર પાર્કિંગ જળમગ્ન થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે પાર્કિંગમાં મૂકેલી લક્ઝુરિયસ ગાડીઓ તરવા લાગી હતી અને એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ગાડીઓનો મોટો ઢગલો થઈ ગયો હતો.

વરસાદી પાણી ઓસર્યા બાદ બેઝમેન્ટમાં જે દૃશ્યો જોવા મળ્યા તે અત્યંત ભયાનક હતા. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી કિંમતી ગાડીઓ કાદવ-કીચડથી લથબથ થઈને નકામી બની ગઈ હોય તેમ છિન્નભિન્ન હાલતમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર ભાગ્યેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક તંત્ર અને કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન સાધીને બેઝમેન્ટમાંથી પમ્પિંગ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી

પાણીના નિકાલ બાદ પણ બેઝમેન્ટમાં ભરાયેલા કાદવ અને વાહનોને થયેલા ભારે નુકસાનના કારણે સોસાયટીના રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. અચાનક આવેલી આ હોનારતમાં રહીશોને લાખો-કરોડો રૂપિયાનું સીધું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

 

(11:31 PM IST)