News of Wednesday, 8th July 2026
સરદાર સરોવર સહિત ર૦૬ જળાશયોમાં પાણીની ભારે આવક : નર્મદા ડેમ ૬પ% ભરાયો
રાજયમાં સરેરાશ ર૪.૪૪ ટકા વરસાદ સાથે દક્ષિણ ગુજરાત જળબંબોળ : શેત્રુંજી અને ધોળાદેવી સહિત ૧૧ ડેમ હાઇએલર્ટ પર : ૪૮ર રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : ૧પ૭૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : ખરીફ વાવેતરમાં તેજી - ૧૮.પ૪ લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસુ-૨૦૨૬ની સિઝન અત્યંત વેગવંતી બની રહી છે. સત્તાવાર સંકલિત અહેવાલ મુજબ, રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ એકંદર ૨૨૨.૧૦ મિમિ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ ૨૪.૪૪% જેટલો થવા જાય છે. ગત ૨૪ કલાકમાં જ ૨૮ જિલ્લાના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં રાજ્યનો સરેરાશ વરસાદ ૩૬.૩૩ મિમિ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ૧૧ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ (NDRF) ની ૧૨ ટીમો અને એસડીઆરએફ (SDRF) ની ૨૭ પ્લાટૂન અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજ્યની જળસંપત્તિમાં ધરખમ વધારો થયો છે. નર્મદા યોજના (SSNL)માં હાલ ૨,૧૮,૦૬૦ એમસીએફટી (mcft) પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૫.૨૭% છે અને તેમાં ૧૯,૪૪૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪૧.૦૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી ૫ ડેમ સંપૂર્ણ ૧૦૦% ભરાઈ ગયા છે. ટકાવારી મુજબ ૧૧ ડેમ ‘હાઈ એલર્ટ', ૪ ડેમ ‘એલર્ટ' અને ૧૦ ડેમ માટે ‘વોર્નિગ' જાહેર કરાઈ છે.
ભાવનગરનો શેત્રુંજી ડેમ ૧૦૦% ભરાઈ જતાં તેમાંથી ૧,૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સિવાય છોટાઉદેપુરનો ધાતરવડી, અમરેલીનો સુરજવાડી, ભાવનગરના માલણ, રોઝકી તથા રંગહોળા, અને તાપીનો દોસવાડા ડેમ પણ હાઈ એલર્ટ પર છે. જ્યારે સુરેન્દ્રનગરના વાંસલ અને ધોળીધજા, જૂનાગઢનો બાંટવા-ખારો તેમજ ગીર સોમનાથનો રાવલ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ચોમાસાના સારા પ્રારંભને પગલે તાજેતરના કૃષિ અહેવાલ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૫૪,૫૬૪ હેક્ટર જમીનમાં પ્રગતિશીલ વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વિસ્તારના ૨૧.૭૪% જેટલું થાય છે. આ વર્ષે મગફળીનું ૬,૨૮,૮૮૮ હેક્ટરમાં (૩૨.૮૩%) અને કપાસનું ૯,૩૧,૯૨૬ હેક્ટરમાં (૩૯.૧%) વાવેતર થઈ ચૂક્યું છે. ડાંગરનું ૩૦,૪૩૫ હેક્ટર અને કઠોળ પાકોનું ૧૫,૪૯૮ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
