News of Wednesday, 23rd September 2026
નર્મદા જિલ્લાની ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે આરોગ્યમંત્રી પાનસેરીયા
આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ દર્દીઓની સુવિધાઓના વિસ્તરણ માટે આપ્યા તાત્કાલિક નિર્દેશ

નર્મદા, તા.૨૩: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, સુલભ અને જનકેન્દ્રિત બનાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ગત રોજ રાત્રે ૯:૩૦ વાગે ગરૂડેશ્વર તાલુકામાં આવેલી સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, ઇમરજન્સી સેવાઓ, લેબોરેટરી વ્યવસ્થા તેમજ હોસ્પિટલના સર્વાંગી કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે સારવાર હેઠળના દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના ધ્યાને આવ્યું હતું કે ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, જેના કારણે હાલની માળખાકીય સુવિધાઓ અને વ્યવસ્થાઓ પર ભાર વધી રહ્યો છે. વધુમાં, વિસ્તારમાં જરૂરી હોવા છતાં હોસ્પિટલમાં ડાયાલિસિસ જેવી મહત્વપૂર્ણ સેવા ઉપલબ્ધ ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈ આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ે સ્થળ પરથી જ PIU (પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ) વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હોસ્પિટલમાં વધારાની માળખાકીય સુવિધાઓ, દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ તેમજ ડાયાલિસિસ સેવા શરૂ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના ધ્યાને આવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનો માટે રહેવાની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. આથી તેમણે દર્દીઓના પરિવારજનોને સુવિધાજનક રીતે રોકાઈ શકે તે માટે નવા ભવનના નિર્માણની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં જરૂરી માળખાકીય અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ, ડાયાલિસિસ યુનિટની સ્થાપના તેમજ દર્દીઓના સ્વજનો માટે નવા ભવનના નિર્માણ અંગે વ્યાપક આયોજન તૈયાર કરી એક અઠવાડિયાની અંદર વિગતવાર પ્રસ્તાવ પોતાના સમક્ષ રજૂ કરવા PIU વિભાગના ઉચ્ચ અધિકારીને મંત્રીશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ‘‘દર્દીઓને સારવાર માટે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.''
મુલાકાતના અંતે મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબો, અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી દર્દી કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિヘતિ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગરૂડેશ્વર SDH હોસ્પિટલ ખાતે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી આકસ્મિક મુલાકાત દરમિયાન આપવામાં આવેલા તાત્કાલિક નિર્દેશો રાજ્ય સરકારની દર્દીહિત અને જનઆરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
