<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

૨૦૦ રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો, મારી દીકરી આવા છોકરા સાથે ક્‍યારેય લગ્ન ન કરેઃ કાજલ મહેરિયાના માતા

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, ત્‍યારે કાજલ મહેરિયાના માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્‍યું : દીકરીને પરત લેવા માટે પરિવાર અને સમાજના લોકો શેરથા ગામે ગયા હતા. શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્‍કેરીને કાઢી મૂકાયા હતા

મહેસાણા,તા.૨૧: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, ત્‍યારે કાજલ મહેરિયાના માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે, દીકરીને પરત લેવા માટે પરિવાર અને સમાજના લોકો શેરથા ગામે ગયા હતા. શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્‍કેરીને કાઢી મૂકાયા હતા.

આ સાથે જ તેમણે આક્ષેપ કરતાં કહ્યુ કે, એ છોકરો અમારે ત્‍યાં ૨૦૦ રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આવા છોકરા સાથે ક્‍યારેય લગ્ન ન કરે. છોકરાનો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે ગેમ રમી રહ્યો હોવાનો તેમનો આક્ષેપ છે. તેમણે દલિત સમાજ અને અઢારે આલમને ન્‍યાય અપાવી રસ્‍તો કાઢવા અપીલ કરી છે.

કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્‍ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી હતી. જે બાદ કાજલ મહેરિયાના પરિવારજનો સાસરીમાં પહોંચ્‍યા હતા. સમાજના આગેવાનો સાથે કાજલની સાસરી શેરથા પહોંચ્‍યા હતા. જ્‍યારે મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. જ્‍યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી.

કાજલને છુટુ આપવા પરિવારજનોનો દબાણ છે, જ્‍યારે કાજલના નામથી યુવકે મિલકત ઉભી કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. યુવકના પરિવારજનનું નિવેદન છે કે, કાજલ- અલ્‍પેશે કોર્ટ મેરેજ કર્યા છે. છેલ્‍લા ૮ મહિનાથી તેઓ જોડે રહે છે. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી.

કાજલ મહેરિયાના ભાઈ સંદીપ મહેરિયાએ પોસ્‍ટ કરીને લખ્‍યું કે, ગુજરાતના સિગર કાજલબેન મહેરિયાએ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. સમાજ કે પરિવારને જાણ નથી. જેથી આ સમાજ તથા ૧૮ આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી.

કાજલના ભાઈ દ્વારા કરવામાં આવેલી ઈમોશનલ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને પગલે આ વિષય ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે. અગાઉ પણ ગુજરાતની અનેક લોકગાયિકાઓના લગ્ન આ પ્રકારે વિવાદમાં આવ્‍યા છે.

કાજલ મહેરિયા ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે. તેઓ મૂળ મહેસાણા જિલ્‍લાના વતની છે. સંગીત ક્ષેત્રે અને ગુજરાતી સંગીત જગતમાં ટોચનું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. કાજલ મહેરિયા તેમના સુરીલા અવાજ અને વિવિધ પ્રકારના ગીતો માટે જાણીતા છે. નવરાત્રી અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં તેમના ગરબાની ભારે ધૂમ જોવા મળે છે. આ ઉપરાંત સેડ સોંગ માટે પણ જાણીતા છે.

(10:32 AM IST)