News of Tuesday, 1st September 2026
ઓગસ્ટ-૨૦૨૬માં ગુજરાતની જીએસટી આવકમાં ૨૮ ટકાનો તોતિંગ વધારો : તિજોરીને ₹૮,૩૧૨ કરોડની આવક થઈ
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જીએસટી આવક ₹૪૧,૬૯૧ કરોડે પહોંચી : વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા સહિત રાજ્ય કર વિભાગને કુલ ₹૧૨,૫૦૫ કરોડ મળ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત રાજ્ય કર વિભાગ (મુખ્ય રાજ્ય વેરા કમિશનરની કચેરી, વહીવટ શાખા, રાજ્ય કર ભવન, આશ્રમ રોડ, અમદાવાદ) દ્વારા તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર ઓગસ્ટ-૨૦૨૬ માસમાં રાજ્યની જીએસટી આવકમાં ૨૮ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ઓગસ્ટ-૨૦૨૬ માસ દરમિયાન રાજ્યને જીએસટી હેઠળ રૂ. ૮,૩૧૨ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી રૂ. ૬,૪૭૦ કરોડની આવક કરતાં ૨૮ ટકા વધુ છે. રાષ્ટ્રીય કક્ષાએ ઓગસ્ટ-૨૦૨૬ માં જીએસટી આવકનો ગ્રોથ ૧૪.૮ ટકા રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતનો ગ્રોથ રેટ ઘણો ઊંચો રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ પાંચ માસમાં એટલે કે ઓગસ્ટ-૨૦૨૬ ના અંત સુધીમાં રાજ્યને જીએસટી હેઠળ કુલ રૂ. ૪૧,૬૯૧ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી રૂ. ૩૨,૬૯૦ કરોડની આવક કરતાં ૨૮ ટકા વધારે છે.
આ ઉપરાંત, ઓગસ્ટ-૨૦૨૬ માં રાજ્ય સરકારને વેટ (VAT) હેઠળ રૂ. ૩,૦૪૭ કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. ૧,૧૨૫ કરોડ અને વ્યવસાય વેરા (પ્રોફેશનલ ટેક્સ) હેઠળ રૂ. ૨૨ કરોડની આવક થઈ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી ઓગસ્ટ માસમાં કુલ રૂ. ૧૨,૫૦૫ કરોડની મોટી આવક પ્રાપ્ત થઈ છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
