News of Sunday, 10th May 2026
ગુજરાતી પરિવાર પર વિદેશમાં ‘કાળ’નો પંજો: લંડન જવા નીકળેલા દંપતી અને બે સંતાનોને આફ્રિકામાં બનાવ્યા બંધક; પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી ૧ કરોડની ખંડણી માંગી!
“બે કલાકમાં પૈસા નહીં આપો તો બીજા દીકરાને પણ મારી નાખશે”: બંધક માતાની ધ્રૂજતી ઓડિયો ક્લિપ વાયરલ; અમદાવાદ પોલીસે એજન્ટોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ, તા.૦૯: સલામત રીતે લંડન પહોંચાડવાના એજન્ટોના ખોટા વાયદામાં ફસાઈને વધુ એક ગુજરાતી પરિવાર વિદેશમાં મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો એક પરિવાર, જેમાં પતિ-પત્ની અને તેમના બે પુત્રો સામેલ છે, તેમને કોઈ અજાણ્યા આફ્રિકન દેશમાં (શક્યતઃ કેન્યા કે ઇથોપિયા) બંધક બનાવી લેવામાં આવ્યા છે. એજન્ટોએ પરિવાર પાસે ૧ કરોડ રૂપિયાની જંગી ખંડણી માંગી છે અને ભય ફેલાવવા માટે એક પુત્રની લોહીથી લથપથ તસવીર પણ મોકલી છે.
દુબઈ સુધી બધું બરાબર હતું, પછી શરૂ થયો ‘મોતનો ખેલ’
આ પરિવાર ૨૦ એપ્રિલના રોજ લંડન જવાના સપના સાથે નીકળ્યો હતો. એજન્ટો તેમને વાયા દિલ્હી, શ્રીલંકા થઈને દુબઈ લઈ ગયા હતા. દુબઈ સુધી પરિવાર સંપર્કમાં હતો, પરંતુ ત્યાર બાદ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો. ૩ મેના રોજ અચાનક જ ‘બાબા ખાન’ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે પરિવારને છોડવા માટે દોઢ કરોડની માંગણી કરી, જે રકઝક બાદ ૧ કરોડ અને પછી ૭૦ લાખ પર આવી હતી.
ધ્રૂજારી છૂટી જાય તેવી ઓડિયો ક્લિપ
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે બંધક બનાવેલી મહિલાની એક ઓડિયો ક્લિપ સામે આવી. જેમાં તે પોતાની દીકરીને કરગરતા કહી રહી છે કે, "એક દીકરાને તો તેમણે મારી નાખ્યો છે (ઈજા પહોંચાડી છે), જો બે કલાકમાં પેમેન્ટ નહીં થાય તો બીજા દીકરાને પણ મારી નાખશે." આ ઓડિયો ક્લિપ અને લોહીથી લથપથ દીકરાનો ફોટો જોઈને અમદાવાદમાં રહેતા સગા-સંબંધીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.
અમદાવાદથી વલસાડ અને માણસા સુધી તાર જોડાયા
પરિવારજનોએ ગોમતીપુર પોલીસનો સંપર્ક કરતા જ ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. પોલીસે અમદાવાદના એક એજન્ટની અટકાયત કરી પૂછપરછ કરતા વલસાડના એક એજન્ટનું નામ ખૂલ્યું છે, જેને પકડવા માટે ટીમ રવાના થઈ છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે એજન્ટોએ ખંડણીની રકમ માણસા ખાતે પહોંચાડવા જણાવ્યું હતું, જેનાથી આ રેકેટમાં માણસાના તત્વોની સંડોવણી હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
૨૫-૨૫ લાખનું ‘ડેથ પેકેજ’
આ પરિવારે વ્યક્તિદીઠ ૨૫ લાખ રૂપિયા લેખે કુલ ૧ કરોડમાં લંડન પહોંચવાનો સોદો કર્યો હતો. શરત મુજબ આ રકમ લંડન ઉતર્યા બાદ જ આપવાની હતી, પરંતુ એજન્ટોએ રસ્તામાં જ પરિવારને આંતરીને અપહરણ કરી લીધું. હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્ક કરીને આ પરિવારને હેમખેમ પાછા લાવવા માટે મથી રહી છે.
આ કિસ્સો ફરી એકવાર લાલબત્તી સમાન છે કે ગેરકાયદેસર રીતે વિદેશ જવાની લાલચ કેવી રીતે આખા પરિવારને કાળના મુખમાં ધકેલી શકે છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
