News of Monday, 27th July 2026
દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપવા ગાંધીનગરમાં 'ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026' લોન્ચ : પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ ક્લસ્ટર મંજૂર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય : રૂ. ૨૭,૦૦૦ કરોડથી વધુનું રોકાણ : ૫ લાખ લોકોને તાલીમ આપવાનું લક્ષ્યાંક

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દેશમાં સૌથી વધુ ૨૩૪૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતને અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે સોમવારે ગાંધીનગરમાં મહત્વાકાંક્ષી “ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026”નું વિધિવત લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી આ નીતિ ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-2025 (SBFAS) અને મેરીટાઇમ વિઝન 2047 સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
કુછડી ખાતે રૂ. ૨૭,૦૦૦ કરોડથી વધુના ખાનગી તથા માળખાકીય રોકાણની સંભાવના:
ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે, જેના માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ડીપીઆર (DPR) તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ક્લસ્ટરમાં શિપયાર્ડ્સના વિકાસથી આશરે રૂ. ૨૩,૭૦૦ કરોડનું ખાનગી રોકાણ અને રૂ. ૩,૩૦૦ કરોડની સામાન્ય મરીન તથા જમીન આધારિત માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે. આ હેતુસર ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) તથા રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે.
ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP) અને અદ્યતન સુવિધાઓ:
પોલિસીનું મુખ્ય આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે. તેમાં મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, ટેસ્ટિંગ ફેસિલિટીઝ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો સમાવેશ કરાશે. આ ઉપરાંત બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ અને નેવિગેશન ચેનલો જેવી સુવિધાઓથી રોકાણકારોનો માળખાકીય ખર્ચ ઘટશે.
વિવિધ પ્રોત્સાહનો અને સિંગલ વિન્ડો સિસ્ટમ:
રોકાણકારોને મૂડી સહાય (Capital Assistance), સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, MSMEs પાસેથી ખરીદી પર સબસિડી, વીજળી દરમાં રાહત, પાણીના ચાર્જમાં સબસિડી અને સમયસર કામ શરૂ કરનારા 'અર્લી બર્ડ' રોકાણકારો માટે ખાસ પ્રોત્સાહનો અપાશે. ઝડપી મંજૂરી માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અને ફરિયાદ નિવારણ પ્રણાલી પણ ઊભી કરાશે.
૫ લાખ લોકોને તાલીમ અને ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો:
આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા ૫૦ લાખ ડેડ વેઇટ ટનેજ (DWT)થી વધુ સુધી લઈ જવાનો, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના કરવાનો અને ૫ લાખથી વધુ લોકોને તાલીમ આપવાનો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નીતિની માર્ગદર્શિકા પણ જાહેર કરી દેવામાં આવી છે.
આ પ્રીમિયમ લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લ, તેમજ મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન તથા સી.ઈ.ઓ. ડૉ. અજય કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
