News of Saturday, 4th July 2026
ગુજરાત પર મેઘરાજાની મહેર: મહુવામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદથી જળબંબાકાર, આગામી ૩ કલાક માટે ૬ જિલ્લામાં હાઈ-એલર્ટ
રાજ્યના ૧૦૫ તાલુકાઓમાં અવિરત વરસાદ: હવામાન વિભાગની ચેતવણી, ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં જામ્યું છે. આજે સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. ખાસ કરીને ભાવનગરના મહુવા પંથકમાં તો આભ ફાટ્યું હોય તેમ માત્ર બે જ કલાકમાં ૩.૧૫ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ કલાક માટે રાજ્યના ૬ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા 'રેડ એલર્ટ' નાઉકાસ્ટ જાહેર કરાયું છે.
વરસાદી આંકડા અને જિલ્લાવાર સ્થિતિ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના લેટેસ્ટ આંકડા મુજબ, આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં રાજ્યના કુલ ૧૦૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહુવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત છે, જેમાં નવસારી અને જલાલપોર તાલુકામાં ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢનું વિસાવદર, સાબરકાંઠાનું ઈડર અને ગીર સોમનાથનું તાલાલા પંથકમાં પણ ૧.૦૬ ઈંચ જેટલો સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આગામી ૩ કલાક માટે કયા જિલ્લાઓ જોખમમાં?
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૩ કલાક દરમિયાન ૧૪ થી ૫૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વ્યાપક વરસાદની અસર
મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ૦.૧૬ ઈંચ અને વડોદરામાં ૦.૦૮ ઈંચ જેટલો હળવો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરપાડા, લાઠી, કપરાડા અને ચીખલી સહિતના વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. એકંદરે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતીલાયક વરસાદ થતાં પાકને નવી જીવતદાન મળ્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
