News of Wednesday, 1st July 2026
બાયોટેક કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ : નિયમોનું ઉલ્લંઘન કરનારા સુરત અને અમદાવાદના ત્રણ જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ૧૩ મહિના માટે સસ્પેન્ડ
અબ્વી હેલ્થકેર કંપની દ્વારા સ્પોન્સર કરાયેલા રૂ.૨ કરોડના પેરિસ-મોનાકો જંકેટ પ્રકરણમાં રાષ્ટ્રીય મેડિકલ કમિશનની સુચના બાદ મોટી કાર્યવાહી : સુરતના ડો. જગદીશકુમાર સખીયા, ડો. અમી શાહ અને અમદાવાદના ડો. ગીતા પટેલ હવે સસ્પેન્શન ગાળા દરમિયાન ગુજરાતમાં ક્યાંય તબીબી પ્રેક્ટિસ નહીં કરી શકે

અમદાવાદ, ૧ જુલાઈ: ફાર્માસ્યુટિકલ કંપનીઓના ખર્ચે વિદેશ પ્રવાસો અને મોજમજા કરનારા તબીબો વિરુદ્ધ ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા એક અત્યંત મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબી આચારસંહિતા અને વ્યવસાયિક ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ કાઉન્સિલે ગુજરાતના ત્રણ પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ (ચામડીના રોગોના નિષ્ણાત) ડોક્ટરોની તબીબી નોંધણી (મેડિકલ રજિસ્ટ્રેશન) આગામી ૧૩ મહિના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. મેડિકલ કાઉન્સિલના ઇતિહાસમાં ઉદ્યોગ-પ્રાયોજિત (ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ) વિદેશ પ્રવાસો માટે ડોક્ટરો સામે આ પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હોય તેવો આ એક ખૂબ જ દુર્લભ કિસ્સો છે, જેને પગલે સમગ્ર તબીબી જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરત અને અમદાવાદના કયા દિગ્ગજ ડોક્ટરો સામે લેવાયા પગલાં?
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જે ત્રણ ડર્મેટોલોજિસ્ટ્સ સામે શિસ્તભંગની આકરી કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં સુરતના સુપ્રસિદ્ધ તબીબ અને સ્કીન ક્લિનિક્સની મોટી ચેઈનના સ્થાપક ડો. જગદીશકુમાર સખીયા તેમજ સુરતના જ ડો. અમી શાહ અને અમદાવાદના અગ્રણી મહિલા તબીબ ડો. ગીતા પટેલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા ડો. જગદીશકુમાર સખીયા ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ્સ, વેનેરિયોલોજિસ્ટ્સ એન્ડ લેપ્રોલોજિસ્ટ્સ (IADVL) ના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ હોવાની સાથે-સાથે આગામી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 'ડર્માકોન ૨૦૨૭' (Dermacon 2027) ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી પણ છે.
રૂ.૨ કરોડનું વિદેશી જંકેટ અને અબ્વી હેલ્થકેર કંપનીની સંડોવણી:
આ સમગ્ર હાઈપ્રોફાઈલ પ્રકરણની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૪માં દેશના નવ જુદા-જુદા રાજ્યો (મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, પંજાબ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આસામ અને કેરળ) ના અંદાજે ૩૦ જેટલા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ડોક્ટરો આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લેવાના બહાને પેરિસ અને મોનાકોના પ્રવાસે ગયા હતા. આ આખો વિદેશ પ્રવાસ 'અબ્વી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' (Abbvie Healthcare India Pvt Ltd) નામની એક મોટી બાયોટેક કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રત્યેક સહભાગી તબીબ દીઠ ૧ લાખ રૂપિયાથી વધુનો પ્રવાસ અને આતિથ્ય (હોસ્પિટાલિટી) ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રવાસ પાછળ અંદાજે ૨ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચાઈ હોવાનો અહેવાલ સામે આવ્યા બાદ આ વિવાદ નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ પહોંચ્યો હતો.
૩૦ જૂનના રોજ કાઉન્સિલની બેઠકમાં લેવાયો આખરી નિર્ણય:
આ પ્રકરણમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સંબંધિત તબીબોને કારણદર્શક (શો-કોઝ) નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડોક્ટરો દ્વારા ગત ૮ જાન્યુઆરી અને ૨૯ જૂનના રોજ પોતાના દસ્તાવેજો અને માહિતી કાઉન્સિલ સમક્ષ સબમિટ કરવામાં આવી હતી. આ પુરાવાઓની ઝીણવટભરી તપાસ બાદ, ગત ૩૦ જૂનના રોજ યોજાયેલી કાઉન્સિલની જનરલ બોડી અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં કડક ઠરાવો પસાર કરીને આ સસ્પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. જીએમસી (GMC) ના સત્તાવાર આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે મેડિકલ પ્રેક્ટિશનર્સનું આવું વર્તન ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (પ્રોફેશનલ કન્ડક્ટ, એટિકેટ એન્ડ એથિક્સ) રેગ્યુલેશન ૨૦૦૨ ના ફકરા/ક્લોઝ ૬.૮ નો અને યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસિસ (UCPMP 2014 & 2024) ના નિયમોનો સરેઆમ ભંગ છે.
સસ્પેન્શન ગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની તબીબી પ્રેક્ટિસ પર સંપૂર્ણ પ્રતિબંધ:
૩૦ જૂનના રોજ જારી કરાયેલા આ કડક આદેશ અનુસાર, ૧૩ મહિનાના સસ્પેન્શન સમયગાળા દરમિયાન આ ત્રણેય તબીબો ગુજરાત રાજ્યની હદમાં કોઈપણ સ્વરૂપે તબીબી પ્રેક્ટિસ (તબીબ તરીકે સેવા) આપી શકશે નહીં. આ ઉપરાંત તેઓ મેડિકલ કાઉન્સિલના એક્ટ હેઠળ નોંધણીથી મળતા કોઈપણ અધિકારો કે વિશેષાધિકારોનો દાવો પણ કરી શકશે નહીં. સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ કાયદા અને નિયમોના પાલનની શરતોને આધીન રહીને તેમનું નામ મેડિકલ રજિસ્ટરમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. જોકે, આદેશમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત તબીબો આ નિર્ણય વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન (NMC) ની જોગવાઈઓ અનુસાર ઉપલી અદાલત કે કમિશનમાં અપીલ કરી શકે છે. ચાલુ વર્ષના મે મહિનામાં જ એનએમસીના એથિક્સ બોર્ડે તમામ સ્ટેટ કાઉન્સિલને આ મામલે સમયબદ્ધ અને ઝડપી તપાસ પૂર્ણ કરવા રિમાઇન્ડર મોકલ્યું હતું, જેના ભાગરૂપે આ સપાટો બોલાવવામાં આવ્યો છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
