News of Wednesday, 22nd July 2026
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર હુમલાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત પાંચ જામીન મંજૂર કર્યા
કોર્ટે નોંધ્યું કે આ પાંચેય અરજદારો કેસમાં મુખ્ય આરોપી નથી અને તેમના દ્વારા કોઈને શારીરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવતું નથી.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર હુમલાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે આ પાંચેય અરજદારો કેસમાં મુખ્ય આરોપી નથી અને તેમના દ્વારા કોઈને શારીરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવતું નથી.
આ કેસમાં નર્મદા પોલીસે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત અનેક આરોપીઓ સામે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી માર મારવો, ધમકી આપવી અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર IPCની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ કેસની સુનાવણી બાદ નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ દોષિતોમાંથી શકુંતલા વસાવા સહિત પાંચ આરોપીઓએ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને સજા સ્થગિત રાખી જામીન આપવા અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે જામીન માંગનારા પાંચેય દોષિતો સામે મુખ્ય હુમલો કે ઇજા પહોંચાડ્યાની સીધી ભૂમિકા દર્શાવતો પુરાવો પ્રાથમિક રીતે સામે આવતો નથી. આ આધારે કોર્ટે તેમની જામીન અરજી સ્વીકારી છે. જોકે કેસની અપીલ પર અંતિમ નિર્ણય બાદ જ દોષિતતા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
કેસ મુજબ, જંગલ વિસ્તારમાં થયેલી જમીન સંબંધિત કાર્યવાહી બાદ સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો હતો. આરોપીઓનું કહેવું હતું કે ફોરેસ્ટ વિભાગે જંગલની જમીન પરથી ખેડૂતોનો સામાન હટાવી ખુલ્લા બજારમાં વેચી નાખ્યો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. આ મુદ્દે વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફોરેસ્ટ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બીજી તરફ, ફરિયાદ અનુસાર બેઠક દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ધમકાવવામાં આવ્યા હતા, ગાળો આપવામાં આવી હતી અને વળતર તરીકે રૂપિયા 60 હજારની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે એક વ્યક્તિએ રિવોલ્વર લાવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં અધિકારીઓને માર મારી ATMમાંથી રૂપિયા ઉપડાવી ખેડૂતોને ચૂકવવા મજબૂર કરવામાં આવ્યા હતા.
હાલ હાઈકોર્ટ દ્વારા શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને જામીન મળ્યા છે, જ્યારે કેસની અપીલ પર અંતિમ સુનાવણી અને નિર્ણય હજુ બાકી છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
