News of Monday, 21st September 2026
ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ માટે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજનાની જાહેરાત : વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટતાને અપાશે પ્રોત્સાહન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુડ-ગવર્નન્સ માટે મોટો નિર્ણય : પ્રજા સાથે જોડાયેલા ૭ મહત્વના વિભાગોના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિવસે’ કરાશે સન્માનિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા અને નાગરિકલક્ષી વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી અમલી બનનારી આ યોજના હેઠળ સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.
સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)ના ઠરાવ મુજબ, આ યોજનામાં કામગીરીના મૂલ્યાંકન માટેનો સમયગાળો દર વર્ષે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનો રહેશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી વર્ષની ઉજવણીના અનુસંધાનમાં શરૂ કરાયેલી આ યોજના હેઠળ ૭ મહત્વના વિભાગોના અધિકારી સંવર્ગને આવરી લેવામાં આવ્યા છે.
પ્રજા સાથે સીધા સંકળાયેલા ૭ વિભાગોને તક:
આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ લોકો સાથે સીધા સંકળાયેલા નીચે મુજબના ૭ વિભાગોના અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે:
૧. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), વર્ગ-૧
૨. શિક્ષણ વિભાગ: જિલ્લા શિક્ષણાધિકારી (DEO) / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO), વર્ગ-૧
૩. માર્ગ અને મકાન વિભાગ: કાર્યપાલક ઈજનેર (Executive Engineer), વર્ગ-૧
૪. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ: જિલ્લા પુરવઠા અધિકારી (DSO), વર્ગ-૧
૫. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ: જિલ્લા રમતગમત અધિકારી (DSO), વર્ગ-૨
૬. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ: તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-૨
૭. મહેસૂલ વિભાગ: મામલતદાર, વર્ગ-૨
પુરસ્કારની રકમ અને પ્રમાણપત્ર:
યોજના અંતર્ગત વર્ગ-૧ના અધિકારીઓ માટે રૂ. ૩૧,૦૦૦નું રોકડ પુરસ્કાર અને વર્ગ-૨ના અધિકારીઓ માટે રૂ. ૨૧,૦૦૦નું રોકડ પુરસ્કાર નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિજેતા અધિકારીઓને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ એનાયત કરવામાં આવશે. પુરસ્કારનો ખર્ચ સંબંધિત વિભાગે પોતાના બજેટમાં ‘0500 - Awards’ હેઠળ મંજૂર થયેલી ગ્રાંતમાંથી કરવાનો રહેશે.
મૂલ્યાંકન પ્રક્રિયા અને કમિટીની રચના:
પુરસ્કાર માટે અધિકારીઓની પસંદગી નિર્ધારિત માપદંડોના આધારે અલગથી રચવામાં આવેલી મૂલ્યાંકન સમિતિઓ દ્વારા કરાશે.
* ક્રમાંક ૧થી ૫માં આવતા અધિકારીઓ માટે સંબંધિત વિભાગના સચિવના અધ્યક્ષપણા હેઠળ સમિતિ રચાશે, જેમાં ખાતાના વડા અને મહેકમના અધિક/સંયુક્ત/નાયબ સચિવ સામેલ હશે.
* તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર માટે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ ડીડીઓ, એસપી અને નિવાસી નાયબ કલેક્ટરની સમિતિ મૂલ્યાંકન કરશે. જ્યારે વિભાગીય સ્તરે પંચાયત અને મહેસૂલ વિભાગના અગ્ર સચિવ કે સચિવના અધ્યક્ષપણા હેઠળ આખરી પ્રક્રિયા હાથ ધરાશે.
સમયમર્યાદા અને સન્માન સમારોહ:
દરેક વિભાગે દર વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં મૂલ્યાંકન કામગીરી પૂર્ણ કરી, ૧થી ૩ ક્રમ મેળવનાર વિજેતાઓના નામોના હુકમ, પ્રમાણપત્ર અને ચેક ૧૦ ડિસેમ્બર પહેલાં જીએડીની વસુતાપ્ર-૨ શાખાને મોકલવાના રહેશે. ત્યારબાદ ૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિવસ’ના રાજ્યકક્ષાના સત્તાવાર કાર્યક્રમમાં વિજેતા અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવશે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
