News of Tuesday, 7th July 2026
વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના મહત્વના પગલાં અને સાવચેતી અંગેની માર્ગદર્શિકા જાહેર : ખરીફ મકાઈના પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું
પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૩ (GAYMH-3)નું વાવેતર કરવું જરૂરી : રાસાયણિક દવાઓનો નિયત ડોઝ મુજબ જ ઉપયોગ કરવો

અમદાવાદ તા.૭ : ખરીફ ઋતુમાં મકાઈના પાકને રોગ અને જીવાતોથી બચાવી વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના મહત્વના પગલાં અને સાવચેતી અંગેની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ખેતી પદ્ધતિ અને જમીનની તૈયારી
એક જ જમીન પર વારંવાર મકાઈ ન વાવતા પાકની ફેરબદલી કરવી.પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ મુજબ જ કરવો.વાવેતર પહેલાં જમીનમાં લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર મુજબ નાખવો.મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા જેવા કઠોળ વર્ગના પાકો આંતરપાક તરીકે વાવવા.
રોગ અને જીવાત પ્રતિકારક જાતોની પસંદગી
પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો જેવી કે, ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૩ (GAYMH-3)નું વાવેતર કરવું.પાનનો સુકારો અને તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી. સં.મ.-૧, ૨ અને ૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવાનો આગ્રહ રાખવો.
વાવણી સમયની ખાસ કાળજી અને બીજ માવજત
ગાભમારા કે સાંઠાની ઈયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર થોડો વધારે રાખવો. જેથી શરૂઆતમાં ઉપદ્રવવાળા છોડને ઉપાડી, ઈયળ સહિત નાશ કરી શકાય અને ખેતરમાં છોડની સંખ્યા જળવાઈ રહે. મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ ૧ કિલોગ્રામ બીજ દીઠ માવજત આપવી અથવા જરૂરિયાત મુજબ થાયરમ કે કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિલોગ્રામ બીજ દીઠ પટ આપીને વાવણી કરવી. ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે શરૂઆતથી રક્ષણ મેળવવા માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮% + થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ. પ્રતિ કિલોગ્રામ બિયારણ દીઠ સપ્રમાણ પાણીમાં ભેળવી માવજત આપવી અને બીજને છાંયડે સૂકવ્યા બાદ જ વાવેતર કરવું.
પાછોતરા સૂકારાનું વ્યવસ્થાપન
મકાઈમાં પાછોતરો સૂકારો રોગ અટકાવવા માટે સારા નિતારવાળી જમીનની પસંદગી કરવી. જમીનનું તાપમાન નીચું રાખી શકાય તે માટે ટૂંકા ગાળે હળવું પિયત આપવું, જેથી આ રોગનો ફેલાવો ઘટે છે.
ખેડૂતોએ ખાસ કાળજી લેવી કે, રાસાયણિક દવાઓના વપરાશ વખતે દવાના પેકિંગ ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જ જે તે પાક, રોગ કે જીવાત માટે ભલામણ કરેલ નિયત ડોઝ મુજબ જ દવાનો ઉપયોગ કરવો.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
