<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સોમનાથ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર કુંભાભિષેકનું ભવ્ય રિહર્સલ સંપન્ન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

90 મીટર ઊંચી ક્રેન દ્વારા કુંભને મંદિરના શિખર સુધી પહોંચાડી સુરક્ષા અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી : વિવિધરંગી રોશનીથી સોમનાથનું પ્રાંગણ દૈદિપ્યમાન બન્યું

વેરાવળ : વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે એક ઐતિહાસિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરના સુવર્ણ શિખર પર કળશ દ્વારા કુંભાભિષેક વિધિ સંપન્ન કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ પૂર્વે આજે સાંજે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કુંભાભિષેકનું સફળ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. અત્યંત આધુનિક ટેકનોલોજી અને સુરક્ષાના માપદંડો સાથે 90 મીટર જેટલી ઊંચી જતી વિશાળ ક્રેનનો ઉપયોગ કરીને કુંભને મંદિરના છેક ઊંચા શિખર સુધી લઈ જવાની પ્રક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઊંચાઈએ કુંભને સુરક્ષિત રીતે કેવી રીતે સ્થાપિત કરવામાં આવશે તેની ઝીણવટભરી વિગતો અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

ચાંદની શીતળ સાંજના મનોરમ્ય વાતાવરણમાં સોમનાથ મંદિર પરિસરને વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. રિહર્સલ દરમિયાન જ્યારે કુંભ આકાશ તરફ ગતિ કરી રહ્યો હતો ત્યારે હાજર રહેલા લોકો અને શ્રદ્ધાળુઓના હર્ષનાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. રંગબેરંગી લાઈટોના પ્રકાશમાં સોમનાથ મંદિરની સ્થાપત્યકલા અને ભવ્યતા દૈદિપ્યમાન બની ઉઠી હતી.

આવતીકાલના મુખ્ય કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તો આ દિવ્ય ક્ષણના સાક્ષી બની શકે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ કુંભાભિષેક સોમનાથ મંદિરના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરશે જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

(9:08 PM IST)