News of Sunday, 6th September 2026
સાબરકાંઠામાં તલોદના અણિયોડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો
ગામના મુખ્ય ચોક ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે જોડાઈ સફાઈ કર્મીઓનું બહુમાન કર્યું

ગાંધીનગર :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ગ્રામીણ જનજીવન, સાદગી અને પર્યાવરણ ચેતનાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગામના મુખ્ય ચોક ખાતે આવી વિશેષ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા.
રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા અંગે પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે. રાજ્યપાલએ જણાવ્યું કે તંદુરસ્ત અને ગૌરવશાળી સમાજના નિર્માણ માટેની આ આપણી નૈતિક ફરજ છે. દરેક નાગરિક જ્યારે પોતાના ઘરની સાથે પોતાના ગામને પણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરશે, ત્યારે જ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને આપણે સાચા અર્થમાં સાકાર કરી શકીશું. સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલશ્રીએ સફાઈ કર્મીઓનું સન્માન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત અણિયોડ ગામની પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલની આ પર્યાવરણ ચેતનાથી પ્રેરાઈને ગામના આશરે ૩૦૦ જેટલા સ્થાનિક નાગરિકો પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ દીપ સિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગામના સરપંચ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
