News of Saturday, 24th October 2026
અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓની ભેટ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણીથી આરોગ્ય ક્ષેત્રે ટ્રાન્સફોર્મેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ તા.23 : રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત અને સંવેદનાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. 500 કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોની મહાભેટ આપવામાં આવી હતી.
અમદાવાદ ખાતે યોજાયેલા આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષોમાં દેશ અને રાજ્યના આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. ‘સર્વે ભવંતુ સુખીન: સર્વે સંતુ નિરામયા:’ની ભાવના સાકાર કરવા તરફ આજે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
એક સમયે ગંભીર બીમારીના કારણે પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા હતા, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. 10 લાખ સુધીની મફત સારવાર આપી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં 2.87 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કરાયા છે.
વર્ષ 2001-02માં માત્ર 8 મેડિકલ કોલેજો હતી, જે વધીને 2025-26માં 43 થઈ છે. MBBSની બેઠકો 1,375થી વધીને 7,525 થઈ છે.
રાજકોટમાં એઈમ્સ કાર્યરત થઈ છે અને જામનગરમાં વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ આકાર લઈ રહ્યું છે. અમદાવાદ મેડિસિટી ખાતે રૂ. 223 કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
આ સંસ્થા 58,831 ચોરસ મીટર બિલ્ટ-અપ વિસ્તારમાં આકાર લેશે અને 521 પથારીની ક્ષમતા ધરાવશે. જેમાં 288 જનરલ વોર્ડ બેડ, 160 ICU બેડ, 57 સ્પેશિયલ બેડ અને 16 ટ્રાયેજ બેડ રહેશે. 13 આંતરરાષ્ટ્રીય ધોરણના ઓપરેશન થિયેટર, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, ઈમરજન્સી રેડિયોલોજી, બ્લડ બેંક અને ઈન-હાઉસ ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર જેવી વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ હશે.
નાગરિકોને ‘હેલ્થ કેર અંડર વન અમ્બ્રેલા’ સેવાઓ મળી રહે તે માટે વસઈ અને કામરેજ ખાતે અંદાજે રૂ. 3000 કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે.
રૂ. 185 કરોડના ખર્ચે નવનિર્મિત 255 આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને રૂ. 347 કરોડના ખર્ચે થનારી 45 નવી આરોગ્ય કામગીરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું કે રાજ્યભરમાં 255 સંસ્થાઓથી છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ સુવિધા પહોંચશે. આગામી સમયમાં આ જ સંકુલમાં સ્પાઇન હોસ્પિટલનું પણ આયોજન છે.
કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, સાંસદ દિનેશ મકવાણા, હસમુખ પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, ધારાસભ્યો અમુલભાઈ ભટ્ટ, કૌશિક જૈન, શહેરી આરોગ્ય કમિશનર ડો. સંધ્યા ભૂલ્લર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
