News of Monday, 12th October 2026
પ્રથમ નોરતે અંબાજીમાં આસ્થાનું ઘોડાપૂરઃ ૪.૬૦ લાખ ભક્તોએ દર્શન કર્યાઃ ચાચર ચોકમાં રાસ-ગરબા
પ્રથમ નોરતે મોડી રાત્રે ચાચર ચોકમાં સૂરિલી સરગમ ગ્રુપ સાથે ભક્તો ગરબાના તાલે ઝૂમ્યાઃ મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી

અંબાજી,તા.૧૨: બનાસકાંઠાના પવિત્ર શક્તિપીઠ અંબાજી ધામમાં આસો નવરાત્રિ મહોત્સવનો અત્યંત ભક્તિભાવપૂર્વક શુભારંભ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ યાત્રાધામમાં માઈભક્તોનું વિશાળ ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારની મંગળા આરતીથી લઈને મોડી રાત સુધી સમગ્ર અંબાજી પરિસરમાં ‘બોલ માડી અંબે, જય જય અંબે'ના ગગનભેદી નારા ગૂંજતા રહ્યા હતા. લાખો ભક્તોએ જગતજનની માં અંબેના ચરણોમાં શીશ ટેકવી ધન્યતા અનુભવી હતી.
નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમાં આસ્થાનો અનોખો ઉત્સાહ છવાયો હતો. દિવસભરમાં ૪,૬૦,૦૦૦ કરતા પણ વધુ ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. દૂર-સુદૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં માં અંબેના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટે સુંદર આયોજન કર્યું હતું. તમામ લાઈનોમાં ભક્તોને ઝડપથી દર્શન થાય તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરિણામે ભારે ભીડ છતાં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ પડી નહોતી.
આસો નવરાત્રિ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને અદ્વુત રીતે શણગારવામાં આવ્યું છે. ઘટસ્થાપનની સાથે જ પ્રથમ નોરતે ભક્તો શક્તિપીઠના દર્શને દોડી આવ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોના પ્રવાહને લીધે વાતાવરણ એકદમ પવિત્ર અને ઊર્જાવાન બની ગયું હતું. માઈભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ પૂર્ણ શ્રદ્ધા સાથે માતાજીના ચરણોમાં પૂજા-અર્ચના કરી પરિવારના સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.
રાત્રિના સમયે માતાજીની ભવ્ય મહાઆરતી સંપન્ન થયા બાદ સુપ્રસિદ્ધ ચાચર ચોકમાં ગરબા મહોત્સવ શરૂ થયો હતો. રાજ્ય સરકારે આ આયોજન માટે રોજ અલગ અલગ પ્રખ્યાત ગરબા ગ્રુપ અને લોકગાયકોને અંબાજી આમંત્રિત કર્યા છે. પ્રથમ નોરતે ‘સુરીલી સરગમ' ગ્રુપે પોતાના સુરીલા કંઠે પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. ગાયકોના સૂર સાથે માહોલ સંપૂર્ણપણે સંગીતમય બની ગયો હતો.
ગાયકોના તાલ સાથે ચાચર ચોકમાં ઉપસ્થિત હજારો ખેલૈયાઓ અને ભક્તો ગરબે ઘૂમ્યા હતા. મા અંબાના સાનિધ્યમાં ગરબા રમીને સૌ કોઈએ માતાજીની ભાવપૂર્વક આરાધના કરી હતી. ચાચર ચોકમાં સર્જાયેલા આ દિવ્ય માહોલે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોડી રાત સુધી ચાલેલા આ રાસ-ગરબાના ઉત્સવમાં ભક્તો અનોખો આનંદ માણી માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
