તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Monday, 11th May 2026
સાબરકાંઠાના ખેડૂતોમાં ભભૂકતો રોષ: DAP ખાતરના ભાવ વધારા સામે વડાલીના ધરતીપુત્રો મેદાને, 'સરકાર ભાવ વધારો પાછો ખેંચે નહિતર રસ્તા રોકીશું'
કેસરગંજ ગામના ખેડૂતોની સરકારને આખરી ઓલ્ટીમેટમ; બિયારણ, ડીઝલ અને મજૂરી બાદ હવે ખાતરના મોંઘા ડામથી ખેતી કરવી અશક્ય, ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયાર

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે સરકારની નીતિઓ સામે ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વડાલી તાલુકાના ખેડૂતોમાં DAP (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરના ભાવમાં કરવામાં આવેલા અસહ્ય વધારાને લઈને ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં ખેતીના ખર્ચમાં સતત વધારો કરીને જગતના તાતની કમર તોડી રહી છે.
કેસરગંજમાં ખેડૂતોની સભા: આંદોલનના મંડાણ
વડાલીના કેસરગંજ ગામમાં આજે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતીમાં પહેલાથી જ બિયારણ, ડીઝલ અને મજૂરીના ભાવ આસમાને પહોંચ્યા છે. આવા કપરા સમયમાં DAP ખાતરના ભાવ વધારીને સરકારે ખેડૂતો પર પડતા પર પાટું માર્યું છે. DAP ખાતર એ ખેતીનો પાયાનો સ્ત્રોત છે અને તેના વિના ખેતી શક્ય નથી, ત્યારે આ ભાવ વધારો ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી દેશે.
સરકારને આંદોલનની સીધી ચીમકી
ખેડૂતોએ આક્રમક મૂડમાં ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ રસ્તા પર ઉતરી આવશે અને જરૂર પડશે તો હાઈવે રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.
શું સરકાર ઝૂકશે?
હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આ ઉગ્ર વિરોધ અને આંદોલનની ચીમકી બાદ સરકાર પોતાનો નિર્ણય પરત ખેંચે છે કે પછી ભાવ વધારો યથાવત રાખે છે. ખેતીના ખર્ચ અને વળતર વચ્ચેના સંઘર્ષમાં અત્યારે સાબરકાંઠાનો ધરતીપુત્ર રડમસ થઈને ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો આ આક્રોશ આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
