News of Saturday, 26th September 2026
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદે બોલાવી ભારે ધમાચકડી: વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચે તીવ્ર ઘર્ષણ, સાંસદ મનસુખ વસાવાની ઉગ્ર આંદોલનની ચીમકી!
પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ; સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં મોરચો માંડવાની આદિવાસી ખેડૂતો અને સાંસદની આકરી ચેતવણી

નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલો જ્વલંત વિવાદ ફરી એકવાર અત્યંત ઉગ્ર અને તંગ બન્યો છે. જંગલ જમીન પર પરંપરાગત ખેતી કરી રહેલા આદિવાસી ખેડૂતોને વન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડાણ કરતા રોકવામાં આવતાં બંને પક્ષો વચ્ચે ભારે ઘર્ષણ અને બોલાચાલીની સ્થિતિ સર્જાઈ છે. વન વિભાગની આ કાર્યવાહીના વિરોધમાં એકત્ર થયેલા આદિવાસી ખેડૂતોની પોલીસે અટકાયત (ડિટેઈન) કરતાં સમગ્ર વિસ્તારમાં ગરમાવો વ્યાપી ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવા તુરંત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા અને પોલીસ તથા વન વિભાગની કામગીરી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આ મુદ્દે લાંબા સમય સુધી આદિવાસી સમાજ દ્વારા ધરણાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે તે સમયે તંત્ર દ્વારા ચોક્કસ આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, ખેડૂતોનો આક્ષેપ છે કે આશ્વાસન આપ્યા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી અને ન્યાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આગામી સાત દિવસની અંદર આ જમીન વિવાદનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સામે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે. આ ઘટનાને પગલે સાગબારા અને આસપાસના જંગલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
