<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

દહેગામ પાસે શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: શંકાસ્પદ ઘી ફેક્ટરીમાં તપાસ

કડાદરા વિસ્તારમાંથી આહારમાં ભેળસેળ આચરતા તત્વો સામે મોટું ઓપરેશન :શંકાસ્પદ ઘીના અલગ-અલગ નમૂનાઓ લેવાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા હેઠળ આવતા કડાદરા વિસ્તારમાંથી આહારમાં ભેળસેળ આચરતા તત્વો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કડાદરા સ્થિત આવેલી 'શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ'માં મોટા પાયે શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતી મળતા જ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીના સંચાલક પાસે કેન્દ્ર સરકારનું લાઈસન્સ  ઉપલબ્ધ છે. જેને પગલે રાજ્યના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો અને કેન્દ્રીય અધિકારીઓને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. માહિતી મળતા જ કેન્દ્રીય અધિકારીઓની વિશેષ ટીમ પણ તપાસ માટે સ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી. 

ફેક્ટરી પાસે કેન્દ્રીય લાઈસન્સ હોવા છતાં, આ પરિસરમાં આવેલું ગોડાઉન રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવતું હોવાના કારણે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિલંબ કર્યા વગર ગોડાઉનમાં કડક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મળી આવેલા શંકાસ્પદ ઘીના જથ્થા અને તેની પાછળ વપરાતી સામગ્રીની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી શંકાસ્પદ ઘીના અલગ-અલગ નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.  

(12:30 AM IST)