News of Sunday, 21st June 2026
જાણીતી અભિનેત્રી મમતા સોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કઠલાલના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપક ડાભી સામે ગંભીર આક્ષેપો
રૂપિયા આપવાના બદલે અભિનેત્રીને મોઢું બંધ રાખવા માટે મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ વીડિયોમાં કરવામાં આવ્યો

ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મમતા સોની સાથે આર્થિક છેતરપિંડી થઈ હોવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલના એક સ્થાનિક રાજકીય નેતાના પ્રભાવમાં આવીને અભિનેત્રી છેતરાઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ વિવાદમાં કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપક ડાભી સામે સીધા આંગળી ચિંધાઈ રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ અભિનેત્રીએ પોતાનો આક્રોશ ઠાલવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જે હાલ રાજકીય અને મનોરંજન જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી વિગતો અનુસાર, આ વિવાદની શરૂઆત વર્ષ 2026 ના ફેબ્રુઆરી મહિનાથી થઈ હતી. કઠલાલના યુવા નેતા દિપક ડાભીએ અભિનેત્રી મમતા સોની પાસે કેટલાક સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો કરાવ્યા હતા. આ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ કરાર મુજબની નિયત રકમ અભિનેત્રીને ચૂકવવામાં આવી ન હતી. મમતા સોની કેટલાક મહિનાઓથી આ બાકી રકમની સતત ઉઘરાણી કરી રહી હતી. જો કે, સત્તાધારી પક્ષના હોદ્દાનો પ્રભાવ વાપરીને નેતા દ્વારા પેમેન્ટ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા.
અભિનેત્રી મમતા સોનીનો આરોપ છે કે જ્યારે તેમણે પોતાની મહેનતના બાકી રૂપિયા આપવા માટે દબાણ કર્યું, ત્યારે યુવા નેતા દિપક ડાભી એ પોતાની અસલીયત બતાવી હતી. રૂપિયા આપવાના બદલે અભિનેત્રીને મોઢું બંધ રાખવા માટે મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે. નેતાના આવા વર્તન અને સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને આખરે અભિનેત્રીએ વીડિયોના માધ્યમથી ન્યાયની ગુહાર લગાવી છે.
રાજકીય વગ ધરાવતા નેતા સામે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પહેલા અભિનેત્રીએ જનતા સમક્ષ સત્ય લાવવાનો પ્રયાસ કર્યો છે. આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ કઠલાલ અને ખેડાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપના એક જવાબદાર હોદ્દેદાર સામે કલાકારના શોષણ અને ધમકીના આક્ષેપો થતાં વિપક્ષને પણ શાસક પક્ષ પર પ્રહારો કરવાની તક મળી ગઈ છે.
જો કે, આ વાયરલ વીડિયોની સત્યતા કે તેમાં કરાયેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. આ મામલે આગામી સમયમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
