News of Saturday, 17th October 2026
અમદાવાદમાં 'અનંત બ્રહ્માંડ ગરબા'ના નકલી પાસ પધરાવી ખેલૈયાઓ સાથે ઠગાઈ: ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટની લાલચ આપી બોગસ ટિકિટો વેચાઈ
અધિકૃત નામ, લોગો અને બોગસ ઈમેઈલ આઈડી બનાવી ગઠિયાઓએ આચરી છેતરપિંડી; સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાતાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા

અમદાવાદ : સાયબર ગઠિયાઓ નિર્દોષ લોકોને ઠગવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે, ત્યારે હવે નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના નકલી ઓનલાઈન પાસ પધરાવીને ખેલૈયાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'અનંત બ્રહ્માંડ' નામના ગરબા મહોત્સવના બોગસ પાસ ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર આકર્ષક ડિસ્કાઉન્ટની લાલચ આપીને વેચવામાં આવી રહ્યા હોવાનું ધ્યાન પર આવતાં આયોજકો દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ એક્સપિરિયન્સ એક્સચેન્જ કંપની દ્વારા રાંચરડા-થોળ રોડ પર આવેલા અરવિંદ એપલવુડ્સ પાસે 'અનંત બ્રહ્માંડ' નામે મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ માટે ઓગસ્ટ મહિનાથી જ ₹૪,૦૦૦ થી ₹૧૦,૦૦૦ ની કિંમતમાં સત્તાવાર ઓનલાઈન ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
દરમિયાન, 'વીર.રાજપૂત' નામના એક ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી રૂ. ૬,૦૦૦ ના પાસ ડિસ્કાઉન્ટ સાથે માત્ર રૂ. ૪,૦૦૦ માં વેચાઈ રહ્યા હોવાની જાહેરાતો ફરતી થઈ હતી. એક જાગૃત ગ્રાહકે આ આઈડી પરથી રૂ. ૩,૧૦૦ માં ઓનલાઈન ટિકિટ ખરીદ્યા બાદ તેની ખરાઈ કરવા આયોજકોનો સંપર્ક સાધ્યો ત્યારે આ આખા કૌભાંડનો ભંડાસફોડ થયો હતો. આયોજકોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગઠિયાઓએ આ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ગરબાના તદ્દન બોગસ પાસ વેચવાનું રેકેટ શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવી છે કે અજાણ્યા ગઠિયાઓએ લોકોને છેતરવા માટે ઈવેન્ટ કંપનીના ડોમેન સાથે મળતું આવતું બોગસ ઈમેઈલ એડ્રેસ પણ બનાવી લીધું હતું. લોકોનો વિશ્વાસ જીતવા માટે 'અનંત બ્રહ્માંડ ગરબા' ના અધિકૃત નામ, લોગો અને બ્રાન્ડિંગનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
આખરે સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ઈવેન્ટના આયોજકોએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવ્યો છે. સાયબર પોલીસે આઈડી ચલાવનાર અજાણ્યા ઈસમો સામે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ અને આયોજકોએ સંયુક્ત રીતે ગરબા શોખીનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી કોઈ પણ શંકાસ્પદ કે અજાણી લિંક, આઈડી કે ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વગર માત્ર ઈવેન્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ અને અધિકૃત પ્લેટફોર્મ પરથી જ ગરબાના પાસ ખરીદવા.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
