News of Saturday, 25th April 2026
સોનગઢમાં 'ચિકન સેન્ટર'ની આડમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
તાપી એલસીબી અને સ્થાનિક પોલીસના દરોડામાં ₹5.14 લાખનો મુદ્દામાલ જપ્ત : બે શખ્સોની ધરપકડ

તાપી: તાપી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય બનેલી પોલીસને સોનગઢમાં મોટી સફળતા મળી છે. આમલીપાડા વિસ્તારમાં આવેલા 'એસ.કે. ચિકન સેન્ટર' નામની દુકાનમાં ચિકન વેચવાની આડમાં ધમધમતી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બહારથી સામાન્ય દેખાતી આ દુકાનમાં કેમિકલના મિશ્રણથી જોખમી દારૂ બનાવી તેને બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું.
તાપી એલસીબી પેરોલ ફોર્સ અને સોનગઢ પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને દુર્ગાશંકર ખટીક અને કલ્પેશ શામરિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને ઘટનાસ્થળેથી નકલી દારૂ, કેમિકલ, ખાલી બોટલો અને સ્ટીકરો સહિત કુલ ₹5,14,403નો મુદ્દામાલ મળી આવ્યો છે. વધુ નફો કમાવવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી સમગ્ર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
