<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

78 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં આવેલ તુમડાવાડી ગામ વિકાસથી વંચિત :AAP આગેવાનોની મુલાકાતમાં સામે આવી વાસ્તવિક સ્થિતિ

પીવાના પાણી, રસ્તા, શાળા અને આંગણવાડી જેવી મૂળભૂત સુવિધાઓ વગર જીવન જીવવા મજબૂર તુમડાવાડીના ગ્રામજનો:600ની વસ્તી ધરાવતા તુમડાવાડી ગામમાં આજે પણ વીજળી, રાશનકાર્ડ અને આરોગ્ય સુવિધાનો અભાવ :70થી 80 બાળકો માટે શાળા નથી અને 30 નાના બાળકો માટે આંગણવાડી પણ નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા નવ નિર્માણ ચીખદા તાલુકાના આંબાવાડી જિલ્લા પંચાયતના સભ્ય ઘેમસીંગભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સભ્ય જયદીપભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા ગંગાપુર તાલુકામાં આવેલ તુમડાવાડી ગામની મુલાકાત લેવામાં આવી હતી. આગેવાનોએ ગામલોકો સાથે મુલાકાત કરી તેમનીસમસ્યાઓ સાંભળી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે દેશને આઝાદી મળ્યાના 78 વર્ષ પૂર્ણ થયા છતાં ગામ આજે પણ વિકાસથી સંપૂર્ણપણે વંચિત છે. ગામમાં પીવાના પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અને હાલ ગ્રામજનો કોતેડામાથી પાણી પીવા મજબૂર બન્યા છે. ગામ સુધી યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા પણ પહોંચી શકતી નથી. ગામમાં અંદાજે 70થી 80 જેટલા બાળકો અભ્યાસ માટે યોગ્ય વયના હોવા છતાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી. ગામની કુલ વસ્તી અંદાજે 600 જેટલી છે, જેમાંથી ઘણા પરિવારો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થઈ શકે છે. ગામના તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાકા મકાન બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી. હાલમાં માત્ર 71 લોકોના આધારકાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રાશનકાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી. ગામમાં હાલમાં અંદાજે 130 જેટલા મકાનો છે, જ્યારે અન્ય મકાનો જંગલ ખાતા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા. બાજુના દુધલીવેર ગામના ખેડૂતો માટેની AG વિદ્યુત લાઈન તુંબડાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં ગામમાં આજદિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. ગ્રામજનોએ જંગલ ખાતા દ્વારા નાની નાની બાબતોમાં પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હતી, જેમાં સુકા લાકડાં લાવતાં હોવા છતાં તેને લીલા લાકડાં ગણાવીને કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

(10:52 PM IST)