News of Friday, 8th May 2026
કપડવંજના ફતિયાવાદ પાસેની નર્મદાની મુખ્ય નહેરમાં આખા પરિવારે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
પત્નીએ બે દીકરીઓને નહેરમાં ફેંકી પોતે પણ પાછળ કૂદી: ગભરાયેલ પતિ પણ પત્ની તથા બાળકોને બચાવવા અથવા સાથે અંતિમ પગલું ભરવા ઊંડા પાણીમાં કૂદી પડ્યો

ખેડા જિલ્લાના કપડવંજના ફતિયાવાદ પાસે આવેલી નર્મદાની મુખ્ય નહેરમાં એક આખા પરિવારે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, ફતિયાવાદ પુલ પરથી પહેલા એક મહિલાએ પોતાની બે નિર્દોષ પુત્રીઓ સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, પત્નીએ બે દીકરીઓને નહેરમાં ફેંકી પોતે પણ પાછળ કૂદી પડી હતી. આ દ્રશ્ય જોઈ ગભરાયેલો પતિ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પત્ની તથા બાળકોને બચાવવા અથવા તેમની સાથે અંતિમ પગલું ભરવા માટે પોતે પણ ઊંડા પાણીમાં કૂદી પડ્યો હતો. આમ, જોતજોતામાં પતિ, પત્ની અને બે પુત્રીઓ એમ આખો પરિવાર નહેરના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડ અને આતરસુંબા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં માતા અને બંને દીકરીઓના મૃતદેહ નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે પતિની શોધખોળ હજુ પણ ચાલુ છે. નહેરના ઊંડા પાણી અને પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ પરિવાર ક્યાંનો રહેવાસી છે અને કયા કારણોસર તેમણે આવું આત્યંતિક પગલું ભર્યું હશે. શું આ પાછળ કોઈ આર્થિક તંગી હતી, કૌટુંબિક કલેશ હતો કે અન્ય કોઈ કારણ, તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતના ગુનાની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
