<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

અમદાવાદમાં EDની મોટો ધડાકો: રૂ. 80 કરોડના લોન કૌભાંડમાં સ્ટીલ કોનેક્ટ ઇન્ડિયાની 4.53 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ

એક જ પરિવારના ડિરેક્ટરોએ બોગસ કંપનીઓના નામે બેંકને કરોડોનો ચૂનો ચોપડ્યો; CBI બાદ હવે EDએ પણ સકંજો કસ્યો

અમદાવાદ : ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં વધુ એક મોટા બેંક લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરીને હાથીજણ સર્કલ નજીક આવેલી ‘સ્ટીલ કોનેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીની રૂ. 4.53 કરોડની સંપત્તિઓ ટાંચમાં (Attach) લઈ લીધી છે. આ કંપની અને તેના સંચાલકો સામે બેંકમાંથી રૂ. 80 કરોડની લોન મેળવીને તેની ભારે ઘાલમેલ કરવાનો ગંભીર આક્ષેપ છે.

 

EDની તપાસમાં બહાર આવેલા સનસનાટીભર્યા અહેવાલો મુજબ, આ કંપનીના તમામ ડિરેક્ટરો એક જ પરિવારના સભ્યો છે. તેઓએ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન મેળવ્યા બાદ તે નાણાંનો મૂળ હેતુ માટે ઉપયોગ કરવાને બદલે અન્ય સહભાગી (શેલ) કંપનીઓમાં ડાયવર્ટ કરી દીધા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કંપનીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે કંપનીઓનો કોઈ વાસ્તવિક બિઝનેસ જ નહોતો! તેમની વચ્ચે કોઈ ખરીદ-વેચાણ કે વ્યવસાયિક ટ્રાન્ઝેક્શન થયા ન હોવા છતાં, કાગળ પર ખોટા હિસાબો દર્શાવીને બેંક સાથે મોટા પાયે આર્થિક ઠગાઈ આચરવામાં આવી હતી.

 

અગાઉ આ મામલે બેંક દ્વારા CBIમાં પણ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. CBIની પ્રાથમિક કાર્યવાહી બાદ EDએ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA), 2002 હેઠળ મની લોન્ડરિંગનો નવો ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન EDએ રિંગ રોડ હાંસોલ સર્કલ પાસે આવેલી કંપનીની કોર્પોરેટ ઓફિસ સહિતના ઠેકાણાઓ પર દરોડા પાડીને લોનને લગતા અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

 

લંબાણપૂર્વકની નાણાકીય તપાસ અને કાગળોની ચકાસણી બાદ સામે આવ્યું કે, બેંકમાંથી ડાયવર્ટ કરાયેલા નાણાંથી જ કેટલીક કિંમતી મિલકતો ખરીદવામાં આવી હતી. EDએ આ ગુનાહિત નાણાંથી ખરીદાયેલી ચાર મુખ્ય મિલકતો શોધી કાઢીને તેને કાયદાકીય રીતે જપ્ત કરી લીધી છે. હાલમાં આ કૌભાંડમાં સામેલ અન્ય નાણાકીય સગડ મેળવવા માટે તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે.

(9:37 PM IST)