<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

IPL ફાઇનલ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમે ક્રિકેટ ફીવર વચ્ચે મેટ્રોએ પણ રચ્યો નવો ઇતિહાસ : મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક ૬૬ ટકાનો તોતિંગ ઉછાળો

મોડી રાત્રે ૨:૧૯ વાગ્યા સુધી ટ્રેનો દોડાવીને રેલવે પ્રશાસને એક જ દિવસમાં પોણા બે લાખથી વધુ લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા : મુસાફરોની સુવિધા માટે ૬૨ વધારાની ટ્રેનો દોડાવવામાં આવી

 અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્રભાઈ મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે તારીખ ૩૧ મે ૨૦૨૬ના રોજ રમાયેલી આઇપીએલ (IPL) ફાઇનલ ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો પ્રશંસનીય નિર્ણય કરાયો હતો. જોકે, સ્ટેડિયમ બહાર મેચ રસિકોની ભીડ અને પેસેંજરોની વાસ્તવિક જરૂરિયાતોને પૂરી પાડવા માટે આ મેટ્રો સેવાઓ છેક મોડી રાત્રે ૨:૧૯ વાગ્યા સુધી અવિરતપણે કાર્યરત રાખવામાં આવી હતી.

આ ભવ્ય મેચના કારણે મેટ્રોના મુસાફરોની સંખ્યા અનેક ગણી વધી ગઈ હતી, જેણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગયા રવિવારે એટલે કે તારીખ ૨૪ મે ૨૦૨૬ના રોજ મેટ્રોમાં કુલ ૧,૧૭,૯૩૯ મુસાફરોએ યાત્રા કરી હતી, જેની સરખામણીએ ગઈકાલે તારીખ ૩૧ મે ૨૦૨૬ના રોજ મુસાફરોની સંખ્યામાં ૭૭,૯૨૯નો જંગી વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ફેઝ-૧ માં ૧,૭૭,૧૦૬ અને ફેઝ-૨ માં ૧૮,૭૬૨ મળીને કુલ ૧,૯૫,૮૬૮ યાત્રાઓ નોંધાઈ છે, જે અગાઉના રવિવાર કરતા આશરે ૬૬ ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે.

ગઈકાલે ફાઇનલ મેચના પેસેંજરોની સુવિધા અને ભીડના વ્યવસ્થાપન માટે જીએમઆરસી દ્વારા રોજિંદા સમયપત્રક ઉપરાંત કુલ ૬૨ જેટલી વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવી હતી. મુસાફરોને હેરાનગતિ ન થાય તે માટે મોટેરા મેટ્રો સ્ટેશનથી એપીએમસી (APMC) તરફ જતી છેલ્લી ટ્રેન રાત્રિના ૨:૧૯ કલાકે ઉપડી હતી. આ સાથે પૂર્વ-પશ્ચિમ કોરિડોરની કનેક્ટિવિટીનો લાભ આપવા ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન રાત્રિના ૨:૪૫ કલાકે રવાના કરવામાં આવી હતી. જ્યારે મોટેરા મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર તરફ જવા ઈચ્છતા મુસાફરો માટે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૨:૨૪ કલાકે ઉપડી હતી.

આ સફળ ગણાય તેવી કામગીરી બાદ જીએમઆરસી દ્વારા તમામ નાગરિકોનો ખૂબ જ શિસ્તબદ્ધ રીતથી મેટ્રોનો ઉપયોગ કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેચના સમયે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં શ્રેષ્ઠ સહયોગ આપવા બદલ અમદાવાદ પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો પણ વિશેષ આભાર માન્યો હતો. અંતમાં સત્તાવાળાઓએ નાગરિકોને મેટ્રો સેવાનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી છે, કારણ કે આ પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે સલામત, વિશ્વસનીય, આરામદાયક, પર્યાવરણને અનુકૂળ તેમજ સસ્તી છે.

(6:00 PM IST)