News of Saturday, 23rd May 2026
ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા ૨૦૨૬ ના કાર્યક્રમમાં બકરી ઈદની રજાના કારણે આંશિક ફેરફાર : મહેસૂલ વિભાગ દ્વારા નવું સમયપત્રક જાહેર : જુઓ નવું સમયપત્રક
સામાન્ય વહીવટ વિભાગના નવા જાહેરનામા મુજબ ૨૭ મેના બદલે ૨૮ મેના રોજ બકરી ઈદની જાહેર રજા જાહેર થતાં પરીક્ષા કાર્યક્રમમાં સુધારો કરાયો : નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગની પરીક્ષાઓ હવે નવા શિડ્યુલ મુજબ લેવાશે

ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે લેવાતી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા ૨૦૨૬ ના કાર્યક્રમમાં અગત્યનો અને આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રકમાં બકરી ઇદની જાહેર રજાના દિવસમાં થયેલા ફેરફારને કારણે પરીક્ષા વ્યવસ્થાપનમાં આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જારી કરીને તમામ સંબંધિત કર્મચારીઓને સુધારેલા કાર્યક્રમની નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસૂલ વિભાગના તારીખ ૦૨ એપ્રિલ ૨૦૨૬ ના પરિપત્ર મુજબ આ પરીક્ષાઓ તારીખ ૨૫ મે ૨૦૨૬ થી ૩૦ મે ૨૦૨૬ સુધી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ ૨૨ મે ૨૦૨૬ ના રોજ એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ બકરી ઇદની જાહેર રજા તારીખ ૨૭ મેના બદલે તારીખ ૨૮ મે ૨૦૨૬ ગુરૂવારના રોજ નક્કી કરવામાં આવી છે. રજાના આ ફેરફારને પગલે પરીક્ષાના કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી મહેસૂલ વિભાગે તારીખ ૨૩ મે ૨૦૨૬ ના નવા પરિપત્ર દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં આંશિક ફેરફારની સત્તાવાર જાહેરાત કરી છે.
નવા સુધારેલા કાર્યક્રમ મુજબ હવે તારીખ ૨૮ મે ના રોજ કોઈ પરીક્ષા લેવાશે નહીં. વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નવું સમયપત્રક ક્રમશઃ ગોઠવવામાં આવ્યું છે. જે મુજબ તારીખ ૨૫ મે ૨૦૨૬ ના રોજ પ્રશ્નપત્ર નંબર ૧ ની પરીક્ષા લેવાશે. ત્યારબાદ તારીખ ૨૬ મે ૨૦૨૬ ના રોજ પ્રશ્નપત્ર નંબર ૨ અને તારીખ ૨૭ મે ૨૦૨૬ ના રોજ પ્રશ્નપત્ર નંબર ૩ ની પરીક્ષા યોજાશે. ૨૮ મે ના રોજ જાહેર રજા હોવાથી તારીખ ૨૯ મે ૨૦૨૬ ના રોજ પ્રશ્નપત્ર નંબર ૪ અને અંતે તારીખ ૩૦ મે ૨૦૨૬ ના રોજ પ્રશ્નપત્ર નંબર ૫ ની પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષાના સમય અંગે વાત કરીએ તો દરેક પ્રશ્નપત્ર બે સત્રમાં લેવામાં આવશે. જેમાં તમામ પરીક્ષાના દિવસોએ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી પુસ્તકો સિવાયની હેતુલક્ષી પરીક્ષા લેવાશે. ત્યારબાદ સવારે ૧૧:૪૦ થી બપોરે ૧૩:૪૦ કલાક સુધી પુસ્તકો સાથેની વર્ણનાત્મક પરીક્ષા યોજાશે. મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના તમામ સંબંધિત ઉમેદવારો અને કર્મચારીઓને આ સુધારેલા કાર્યક્રમની ખાસ નોંધ લેવા અને તે મુજબ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા સત્તાવાર રીતે સૂચના આપવામાં આવી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
