News of Saturday, 16th May 2026
ચોમાસામાં ઝીરો કેઝ્યુઅલ્ટીના લક્ષ્યાંક સાથે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જ : દરેક જિલ્લામાં વિગતવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને પ્રિ-મોન્સૂન બેઠકો પૂર્ણ કરવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની તાકીદ
ગાંધીનગરથી તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદારો અને ડીપીઓ સાથે યોજાઈ ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ : ૧૫ દિવસમાં તાલુકા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકડ્રિલ યોજવા, આપદા મિત્રોની ડિરેક્ટરી બનાવવા અને કંટ્રોલ રૂમના ઉપકરણો ચકાસવા આદેશ

ગાંધીનગર : રાજ્યમાં દર વખતની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી કુદરતી આફતોમાં કોઈપણ પ્રકારની જાન કે માલની હાનિ ન થાય તે માટે વહીવટી તંત્રે અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ જિલ્લા કક્ષાએ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં વિગતવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અને પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠકો આખરી કરવા માટે ગાંધીનગરથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કડક સૂચનાઓ આપી હતી.
આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવાના હેતુથી તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદારો તેમજ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર્સ (DPO) સાથે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતેથી એક મહત્વપૂર્ણ ઓનલાઇન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આપત્તિ સમયે ક્વિક રિસ્પોન્સ અને બચાવ કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દરિયાકાંઠાના જિલ્લાઓમાં વિશેષ મોકડ્રિલ યોજાશે અને આપદા મિત્રો સક્રિય કરાશે:
અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ મામલતદારો અને ડીપીઓ સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે, ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી ૧૫ દિવસમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ હીટવેવ, ભારે પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ મોકડ્રિલ તાલુકા સ્તરે યોજવાની રહેશે. ખાસ કરીને દરિયાકિનારાના જિલ્લાઓમાં સ્થાનિક જોખમોને ધ્યાનમાં રાખી વિશેષ મોકડ્રિલ યોજવી અનિવાર્ય છે. નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે વધુને વધુ જાગૃતિ લાવી શકાય તે માટે આ ક્વાયતની સોશિયલ મીડિયા અને વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવા તેમણે જણાવ્યું હતું.
વધુમાં, ગ્રામીણ અને શહેરી સ્તરે આપદા મિત્રોને વિશેષ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપીને સજ્જ કરવામાં આવશે. પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે દરેક ગામના આપદા મિત્રો સહિતના તમામ અગત્યના કટોકટીના ફોન નંબર સાથેની એક અદ્યતન ડિરેક્ટરી એક સપ્તાહમાં ફરજિયાત તૈયાર કરવા આદેશ અપાયા છે, જેથી આપત્તિના સમયે કોઈ પણ વિલંબ વગર ત્વરિત સંપર્ક સાધી શકાય. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિમાં વોલિન્ટિયર તરીકે મદદ લઈ શકાય તે માટે એનસીસી (NCC) અને એનએસએસ (NSS) ના યુવાનોના સંપર્ક નંબરની યાદી પણ તૈયાર રાખવા સૂચના અપાઈ છે.
કંટ્રોલ રૂમ અને બચાવ સાધનોની ચકાસણી કરવા તેમજ શેલ્ટર હોમનું મેપિંગ કરવા આદેશ:
અધિક મુખ્ય સચિવે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા સ્તરે આવેલા તમામ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ તેમજ બચાવ કામગીરી માટેની બોટ, જનરેટર, હેમ રેડિયો હોટલાઈન સેટ, સેટેલાઈટ ફોન અને લેન્ડલાઈન ફોન જેવા તમામ આપત્તિ વ્યવસ્થાપનના ઉપકરણો સંપૂર્ણ ચાલુ અને કાર્યરત સ્થિતિમાં છે કે નહીં તેની રૂબરૂ ચકાસણી અને ટેસ્ટિંગ કરી લેવું જોઈએ. ભારે પૂર કે વાવાઝોડાના સમયે નાગરિકોને સલામત આશરો આપી શકાય તે માટે પ્રત્યેક ગામ કે શહેરમાં આવેલા શેલ્ટર હોમ, સરકારી પ્રાથમિક શાળાઓ અને ડેરી વગેરે મજબૂત ઇમારતોની ભૌતિક સ્થિતિની રૂબરૂ ખરાઈ કરી લેવી જરૂરી છે.
વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના આપતા ડૉ. રવિએ ઉમેર્યું કે, વિવિધ વિસ્તારોમાં આવતા પાણીના કાંસ, નાળા, કેનાલ અને તળાવોની ચોમાસા પહેલા યોગ્ય સફાઈ થાય તે સ્થાનિક તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે. જે તે વિસ્તારમાં આવેલા જોખમી સ્થળો અને જર્જરિત જૂના મકાનોનું અત્યારથી જ સચોટ મેપિંગ કરીને જરૂરી કાનૂની પગલાં લેવા, જેથી મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય. આ સાથે જ, રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં ખાલી પડેલી જગ્યાઓ પર સત્વરે ભરતી કરવા તેમણે તાકીદ કરી હતી.
આપત્તિથી બચવા ભૂતકાળના અનુભવોનું દસ્તાવેજીકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય:
આ બેઠકમાં ઉપસ્થિત રાહત કમિશનર રાજેશ માંજુએ જણાવ્યું હતું કે, કોઈપણ મોટી આપત્તિ સામે ઝીરો કેઝ્યુઅલ્ટી પ્રાપ્ત કરવા માટે ચોક્કસ એક્શન પ્લાન હોવો ખૂબ જ જરૂરી છે. આ એક્શન પ્લાનમાં મુખ્યત્વે પ્રિપેર્ડનેસ (સજ્જતા), રિસ્પોન્સ (પ્રતિભાવ), રિકવરી (પુનઃપ્રાપ્તિ) અને મિટિગેશન (શમન) જેવા ચાર સ્તંભો પર કામ કરવું પડશે. ભૂતકાળમાં આવેલી આપત્તિઓના અનુભવોનું જો યોગ્ય દસ્તાવેજીકરણ કરવામાં આવે તો ભવિષ્યના જોખમોથી બચી શકાય છે. તેમણે દરેક જિલ્લામાં આવેલા ડેમ, જળાશયો, મુખ્ય કેનાલો તેમજ કાચા મકાનોની વર્તમાન સ્થિતિનો ત્વરિત સર્વે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ મિટિંગ દરમિયાન જેડા (GEDA) ના નિયામક ગૌરાંગ મકવાણાએ તેમના ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકેના ફિલ્ડ અનુભવોના આધારે પ્રિ-મોન્સૂન લાઇન ઓફ એક્શન અંગે મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે આપત્તિ પૂર્વે હવામાનની સચોટ વિગતો મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘સચેત, દામિની અને મોસમ’ જેવી સત્તાવાર મોબાઈલ એપ્લિકેશનનો વહીવટી સ્તરે તેમજ સામાન્ય નાગરિકોમાં મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકની શરૂઆતમાં રાહત નિયામક સુભાષ સાવલિયાએ સ્વાગત પ્રવચન કરીને સમગ્ર સમીક્ષા બેઠકની રૂપરેખા આપી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આઇએમડી (IMD), એસડીઆરએફ (SDRF), એનડીઆરએફ (NDRF), જીએસડીએમએ (GSDMA), જીઆઇડીએમ (GIDM), યુનિસેફ (UNICEF) તેમજ ભારતીય વાયુસેના (એરફોર્સ) અને આર્મી (સેના) જેવી વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે પોતપોતાની સજ્જતા દર્શાવતા ટેકનિકલ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
