તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Friday, 17th April 2026
વલસાડ જિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા: દુબઈ સુધી તાર
પકડાયેલા આરોપીઓ કમિશનના બદલામાં નાણાં ઉપાડતા હતા અને સની નામના શખ્સ મારફતે આ રકમ દુબઈ મોકલવામાં આવતી

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટીઝન સાથે ₹1.11 કરોડની છેતરપિંડી આચરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગબાજોએ CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
આ ઘટનામાં ઉમરગામના 69 વર્ષીય આલોકકુમાર મૈતી ભોગ બન્યા હતા. ઠગબાજોએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. વૃદ્ધને ડરાવવા માટે આરોપીઓએ Skype પર વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ઓળખ TRAI, CBI અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે આપી હતી.
આરોપીઓએ સુપ્રીમ કોર્ટના નકલી સ્ટેમ્પવાળો ઓર્ડર પણ બતાવ્યો હતો અને વૃદ્ધના જામીન નામંજૂર થયા હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આ રીતે, તેમણે વૃદ્ધ પાસેથી કુલ ₹1,11,11,111/- (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) ટ્રાન્સફર કરાવી લીધા હતા.
વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ એચ.જી. રબારીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડીના નાણાં સુરતના ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.
બાતમીના આધારે પોલીસે સુરત અને કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુકેશ અનંતભાઈ પોળેકર (રહે. કતારગામ, સુરત), જય જમનભાઈ રાંક (ઉં.વ. 21, રહે. કતારગામ, સુરત), રોહિતકુમાર નિતેશભાઈ મુંજાણી (મૂળ ભાવનગર, હાલ સુરત) અને નિર્મળ નિતિનભાઈ સોલંકી (મૂળ ઉના, હાલ સુરત)નો સમાવેશ થાય છે.
તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ કમિશનના બદલામાં નાણાં ઉપાડતા હતા અને સની નામના શખ્સ મારફતે આ રકમ દુબઈ મોકલવામાં આવતી હતી. આ કેસમાં આશિષ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વૃદ્ધના ₹20,94,991/- (વીસ લાખ ચોરાણું હજાર નવસો એકાણું રૂપિયા) હોલ્ડ કરાવીને પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
