News of Saturday, 23rd May 2026
રાજ્યમાં ડીઝલની માગ વધીઃ ગત વર્ષની સરખામણીમાં ૪૧ ટકાનો ઉછાળો નોંધાયો
મે માસના ૨૧ દિવસમાં ૪૫.૨૭ કરોડ લિટર ડીઝલનું વેચાણ, ગતવર્ષે ૩૨.૦૨ કરોડ લિટર વેચાયું હતું

અમદાવાદ તા.૨૩: ગુજરાતમાં ડીઝલના વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિગ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં ૧ થી ૨૧ મે દરમિયાન ડીઝલના રિટેલ વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ ૪૧ ટકા જેટલો વધારો થયો છે. રાજ્યમાં આ વર્ષે ૪૫૨૭૨૬ કિલોલિટર ડીઝલનું વેચાણ થયું છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૩૨૦૩૯૯ કિલોલિટર ડીઝલનું વેચાણ નોંધાયું હતું. એક કિલોલિટર એટલે ૧ હજાર લિટર થાય છે. જે અનુસાર રાજ્યમાં ૨૧ દિવસમાં જ ૪૫.૨૭ કરોડ લિટર ડીઝલનું વેચાણ થયું છે. જે ગતવર્ષે આ ૨૧ દિવસના સમયગાળામાં ૩૨.૦૩ કરોડ લિટર હતું. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૧૩.૨૪ કરોડ લિટર ડીઝલનું વધુ વેચાણ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં ડીઝલની માંગમાં ભારે વધારો નોંધાતા ઓઇલ કંપનીઓએ પુરવઠો જાળવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૭૫ ટકાનો વધારો નોંધાયો છે, જ્યાં ૪૮૩૭૮ કિલોલિટર ડીઝલનું વેચાણ થયું છે. ગીર સોમનાથમાં ૭૬ ટકા અને બોટાદ જિલ્લામાં ૭૯ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. બનાસકાંઠામાં ૬૫ ટકા, ભાવનગરમાં ૫૯ ટકા અને રાજકોટમાં ૫૪ ટકા વધારો નોંધાતા રાજ્યના ગ્રામિણ અને કૃષિ વિસ્તારોમાં ડીઝલની માંગ વધુ વધી હોવાનું સ્પષ્ટ બન્યું છે.
અમદાવાદ જિલ્લામાં ૪૪૪૧૪ કિલોલિટર ડીઝલનું વેચાણ થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ ૩૯ ટકા વધુ છે. સુરતમાં ૩૮૧૭૨ કિલોલિટર અને વડોદરામાં ૨૫૪૪૦ કિલોલિટર ડીઝલ વેચાયું છે. રાજ્યમાં ખેતીની મોસમી કામગીરી, લણણી અને પરિવહન પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે ડીઝલની માંગ વધી હોવાનું ઓઇલ કંપનીઓએ જણાવ્યું છે. જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL જેવી કંપનીઓએ જણાવ્યું છે કે, ખાનગી સપ્લાયર્સની સરખામણીએ ભાવ તફાવતને કારણે ગ્રાહકો PSU રિટેલ પંપ તરફ વળી રહ્યા છે. સંસ્થાકીય અને વ્યાવસાયિક ગ્રાહકો પણ રિટેલ આઉટલેટ્સ પરથી વધુ ખરીદી કરી રહ્યા હોવાથી માંગમાં વધારો થયો છે.
પુરવઠો જાળવવા સરકાર અને OMCsના પગલાં
૧. ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL દ્વારા દેશવ્યાપી લોજિાસ્ટિકસ સંકલન મજબૂત બનાવાયું
૨. ટર્મિનલ, ડેપો, પાઇપલાઇન અને LPG બોટલિંગ પ્લાન્ટ ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા
૩. રિટેલ આઉટલેટ્સ પર સમયસર ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ
૪. ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને સપ્લાય ટીમોને સતત એલર્ટ મોડ પર રાખવામાં આવી
૫. રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલન વધારી પુરવઠાની મોનિટરિંગ શરુ.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
