તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 9th July 2026
અમદાવાદના અસલાલી-નાઝ વિસ્તારના વિકાસને મળશે વેગ : રાજ્ય સરકાર દ્વારા ઔડાની નગર રચના યોજના (TP) નંબર ૪૩૧ ની પ્રિલિમિનરી સ્કીમને આખરી મંજૂરી : જમીન કપાત અને પ્લોટ ફાળવણીમાં કરાયા મહત્વના સુધારા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું : સામાજિક માળખા, શાળા, બગીચા, અર્બન ફોરેસ્ટ અને પાર્કિંગ માટેના પ્લોટના ક્ષેત્રફળ તેમજ શરતોમાં ફેરફાર : કલેક્ટરના વળતર મેળવવાના હક્કો યથાવત્ રહેશે - નાગરિકો કચેરી સમય દરમિયાન રૂબરૂ નિરીક્ષણ કરી શકશે

ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમદાવાદના વિકાસને વધુ ગતિ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA - ઔડા) દ્વારા રજૂ કરવામાં આવેલી નગર રચના યોજના (ટાઉન પ્લાનિંગ સ્કીમ) નંબર ૪૩૧ (અસલાલી-નાઝ) ની પ્રિલિમિનરી સ્કીમને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કલમ-૬૫ હેઠળ કેટલીક શરતો અને ફેરફારો સાથે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગે વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને એક્સ-ઓફિસિયો સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાની સહીથી તા. ૦૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ વિધિવત જાહેરનામું ક્રમાંક: GH/V/132 of 2026/UDUHD/TPS/e-File/18/2023/9389/L પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ મંજૂર થયેલી પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમનો અસલ દસ્તાવેજ, નકશાઓ અને પુનઃ ફાળવણી પત્રક (Redistribution Statement) સામાન્ય જનતાના નિરીક્ષણ માટે કચેરીના ચાલુ દિવસોમાં અને ઓફિસ સમય દરમિયાન સંબંધિત સત્તામંડળની કચેરી ખાતે ખુલ્લા રાખવામાં આવશે.
વિકાસ માટે સી.જી.ડી.સી.આર.-૨૦૧૭ ના નિયમો લાગુ પડશે, જમીન કપાતની નવી શરતો ઉમેરાઈ:
રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૪૩૧ (અસલાલી-નાઝ) ની સ્કીમ બુકમાં પાના નંબર ૩૯ ના ક્રમ નંબર ૧૧ અને પાના નંબર ૫૧ ની વિગતોના સ્થાને નવો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, શહેરી વિકાસ વિભાગના તા. ૧૨.૧૦.૨૦૧૭ ના જાહેરનામાથી મંજૂર થયેલા 'સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭' (CGDCR-2017) તેમજ તેમાં વખતોવખત સૂચવવામાં આવતા સુધારા આ યોજનાના વિકાસ માટે લાગુ રહેશે. આ ઉપરાંત સ્કીમ બુકના પાના નંબર ૪૭ પરની શરત નંબર ૧૯ રદ કરવામાં આવી છે.
પુનઃ ફાળવણી પત્રકની રીમાર્કસ કોલમમાં કેસ નંબર ૨૧ અને ૯૩ માં એક મહત્વની શરત ઉમેરવામાં આવી છે, જે મુજબ મૂળખંડની સામે ફાળવેલ અંતિમખંડ અથવા બિલ્ડિંગ યુનિટમાં જ્યારે પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે, ત્યારે યોજનાના નિયમો મુજબ અન્ય ખુલ્લી જમીનની કપાતના ધોરણો અનુસાર કપાત કરી, તે કપાત વાળી જમીન સત્તામંડળને સુપ્રત કરવાની રહેશે, જો કે હયાત બાંધકામના સુધારા-વધારામાં આ શરત લાગુ પડશે નહીં. જ્યારે કેસ નંબર ૧૯૮ માંથી શરત નંબર ૨ રદ કરવામાં આવી છે.
અમદાવાદ કલેક્ટરના બિનખેતી અને વળતરના હક્કો અંતિમખંડ પર યથાવત્ રહેશે:
સરકાર દ્વારા જમીન મહેસૂલ અને માલિકી હક્કો અંગે સ્પષ્ટતા કરતા કેસ નંબર ૧૫૯ ના રીમાર્કસ ખાનામાં ખાસ શરત ઉમેરી છે. જે અંતર્ગત, પ્રવર્તમાન નિયમો અનુસાર મૂળખંડની જમીન ઉપર ગુજરાત સરકાર વતી અમદાવાદ કલેક્ટરના વળતર મેળવવાના જે હક્કો છે, તેમજ સદર જમીનનો બિનખેતી (NA) નો ઉપયોગ કરવા માટે સરકારને ચૂકવવાની થતી રકમ મેળવવાનો હક્ક ફાળવવામાં આવેલા અંતિમખંડ (Final Plot) ની જમીન ઉપર પણ તે જ રીતે ચાલુ રહેશે.
ફાઇનલ પ્લોટના ક્ષેત્રફળ, હેતુ અને લોકેશનમાં કરવામાં આવેલા મહત્વના ફેરફારો:
સરકારી જાહેરનામાના શેડ્યૂલ મુજબ, અગાઉ રજૂ કરાયેલી પ્રિલિમિનરી સ્કીમના ફાઇનલ પ્લોટના ક્ષેત્રફળ, સીમા અને હેતુમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે. જેમાં બગીચા, સામાજિક માળખા, અર્બન ફોરેસ્ટ અને પાર્કિંગના પ્લોટનું પુનઃ ગઠન કરાયું છે.
યોજનામાં સુધારેલા પ્લોટની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
ફાઇનલ પ્લોટ નંબર ૧૩૩ નું ક્ષેત્રફળ ૩૫૮૧ ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર ૧૩૧/૧/૧ નું ક્ષેત્રફળ ૮૦૭૫૬ ચોરસ મીટર યથાવત્ રાખવામાં આવ્યું છે.
ફાઇનલ પ્લોટ નંબર ૧ નું ક્ષેત્રફળ ૧૨૫૩ ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર ૪ નું ક્ષેત્રફળ ૨૨૯ ચોરસ મીટર જાળવી રાખવામાં આવ્યું છે.
અગાઉના ફાઇનલ પ્લોટ નંબર ૨૦૭/૧ નું ક્ષેત્રફળ ૧૪૬૦7 ચોરસ મીટર હતું, જે સુધારીને હવે ૧૦૩૩૯ ચોરસ મીટર કરવામાં આવ્યું છે.
અગાઉના ફાઇનલ પ્લોટ નંબર ૨૦૭/૩ નું ક્ષેત્રફળ ૩૭૦૧ ચોરસ મીટર હતું, જે વધારીને હવે ૭૯૬૯ ચોરસ મીટર કરવામાં આવ્યું છે.
અગાઉ ફાઇનલ પ્લોટ નંબર ૨ dry (બગીચો) નું ક્ષેત્રફળ ૨૧૪૪૫ ચોરસ મીટર ફાળવેલ હતું, તેને હવે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: જેમાં પ્લોટ ૨૯૩/૧ (બગીચો) માટે ૧૩૪૭૬ ચોરસ મીટર, પ્લોટ ૨૯૩/૨ (સામાજીક માળખા) માટે ૪૨૬૮ ચોરસ મીટર અને પ્લોટ ૨૯૩/૩ (સામાજીક માળખા) માટે ૩૭૦૧ ચોરસ મીટરની ફાળવણી કરવામાં આવી છે.
ફાઇનલ પ્લોટ નંબર ૩૦૬ જે અગાઉ સામાજિક માળખા માટે ૬૧૫૧ ચોરસ મીટરનો હતો, તેને હવે 'અર્બન ફોરેસ્ટ' ના હેતુ માટે એટલા જ એટલે કે ૬૧૫૧ ચોરસ મીટર ક્ષેત્રફળ સાથે ફેરફાર કરાયો છે.
અગાઉ ફાઇનલ પ્લોટ નંબર ૩૪૮ જે શાળાના હેતુ માટે ૧૧૮૧૭ ચોરસ મીટરનો હતો, તેને હવે 'અર્બન ફોરેસ્ટ' ના હેતુ માટે ૧૧૮૧૭ ચોરસ મીટર ક્ષેત્રફળ સાથે બદલવામાં આવ્યો છે.
ફાઇનલ પ્લોટ નંબર ૩૧૨ જે અગાઉ સામાજિક માળખા માટે ૪૯૮૮ ચોરસ મીટરનો હતો, તેને યથાવત્ રાખી સામાજિક માળખા (શાળા) નો હેતુ આપવામાં આવ્યો છે.
અગાઉ ફાઇનલ પ્લોટ નંબર ૩૬૬ (શાળા) માટે ૪૪૧૯ ચોરસ મીટર ફાળવેલ હતો, તેને હવે ફાઇનલ પ્લોટ નંબર ૩૬૬ (સામાજીક માળખા) તરીકે ૪૪૧૯ ચોરસ મીટર રાખવામાં આવ્યો છે.
ફાઇનલ પ્લોટ નંબર ૩૫૧ જે અગાઉ સામાજિક માળખા માટે ૮૯૫ ચોરસ મીટરનો હતો, તેને હવે સામાજિક માળખા (પાર્કિંગ) ના હેતુ માટે ૮૯૫ ચોરસ મીટર તરીકે સુધારવામાં આવ્યો છે.
અગાઉ ફાઇનલ પ્લોટ નંબર ૨૯૪ જે 'ખુલ્લા વાણિજ્યના વેચાણ માટે (ફોર સ્ટ્રીટ વેન્ડર્સ એન્ડ હોકર્સ)' ના હેતુસર ૨૩૮૯ ચોરસ મીટરનો હતો, તેને સંપૂર્ણપણે બદલીને હવે સામાજિક માળખા (પાર્કિંગ) ના હેતુ માટે ૨૩૮૯ ચોરસ મીટર તરીકે અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ જાહેરનામાની નકલો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે માનનીય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીના અંગત સચિવ તેમજ સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે માનનીય રાજ્ય કક્ષાના મંત્રીના અંગત સચિવને જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ આખરી હુકમથી અસલાલી અને નાઝ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ, જાહેર પાર્કિંગ, બગીચાઓ અને સામાજિક સુવિધાઓના વિકાસને મોટો વેગ મળશે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
