News of Monday, 27th July 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR' સેવાનો પ્રારંભ : સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે ઘરબેઠાં જ ફરિયાદ નોંધવાની નવી ડિજિટલ સુવિધા
૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા જ સિસ્ટમ દ્વારા આપોઆપ જનરેટ થશે ઝીરો એફઆઈઆર : પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરીને અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા : પ્રથમ કેસમાં જ અમદાવાદના પીડિતના રૂ. ૧૫.૭૬ લાખથી વધુની રકમ બચાવી લેવાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકે હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવું નહીં પડે.
૧૯૩૦ પર કોલ કરતાં જ આપોઆપ જનરેટ થશે ઝીરો એફઆઈઆર:
આ નવી પ્રણાલી અંતર્ગત ૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની e-Zero FIR સિસ્ટમ દ્વારા આપોઆપ તૈયાર થઈને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ એફઆઈઆર નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા પૂરી પાડવા માટે સરકાર સતત પ્રયાસશીલ છે. e-Zero FIR વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘરબેઠાં જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે.
પ્રથમ e-FIR કેસમાં રૂ. ૧૫.૭૬ લાખ બચાવાયા:
અમદાવાદના એક રહેવાસી ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમણે રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને રૂ. ૧૫.૭૬ લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરીને અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રક્રિયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન સાધીને અમલમાં મુકાઈ છે.
ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા:
આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, I4Cના સીઈઓ રાજેશ કુમાર તેમજ રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ, પોલીસ અધિક્ષકો અને સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટરો GSWAN ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
