<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વલસાડના તિથલ દરિયામાં પ્રચંડ ભરતી સમયે જીવલેણ સ્ટંટ : યુવકે પ્રોટેક્શન દીવાલના દાદર પર ઊભા રહીને જીવને જોખમી રીલ બનાવ્યું :વીડિયો વાઇરલ

વહીવટી તંત્રની ચેતવણી વચ્ચે એક યુવકે જીવજોખમી પ્રવૃત્તિ:હજુ થોડા દિવસ દરિયામાં ભારે કરંટ હોવાથી તંત્ર દ્વારા લોકોને સમુદ્રથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે.

વલસાડથી સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષાને શર્મસાર કરતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, આજરોજ બપોરે દરિયામાં આવેલી પ્રચંડ ભરતી સમયે એક યુવકે તિથલ કિનારે પ્રોટેક્શન દીવાલના દાદર પર ઊભા રહીને જીવજોખમી રીલ બનાવતા તેનો વીડિયો વાઇરલ થયો છે.

 

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો તિથલ સમુદ્ર કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે જો કે, ચોમાસાની અને કરંટની ઋતુ દરમિયાન અહીં દરિયામાં ભારે ભરતી જોવા મળતી હોય છે બપોરે જ્યારે દરિયો સંપૂર્ણ વેગમાં હતો અને રાક્ષસી મોજા ઉછળી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા યુવકે વહીવટી તંત્રની ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.

 

આ યુવક દરિયા કિનારે બાંધવામાં આવેલા સુરક્ષા દાદરના સૌથી નીચેના પગથિયા પર જઈને ઊભો રહી ગયો હતો. જ્યારે પાછળથી પ્રચંડ મોજા ઉછળીને પ્રોટેક્શન વોલ સાથે ભટકાઈ રહ્યા હતા, ત્યારે તે પોતાના મોબાઈલમાં શોર્ટ વીડિયો અને રીલ્સ બનાવવામાં મશગૂલ હતો કિનારે ઉભેલા અન્ય પ્રવાસીઓએ આ ભયાનક દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કરતા જ સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

 

 

આજના સમયમાં યુવા પેઢીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સસ્તા પ્રકારની લોકપ્રિયતા અને લાઈક્સ મેળવવાનો એક અંધ ક્રેઝ જોવા મળી રહ્યો છે આ ક્રેઝ એટલી હદે વધી ગયો છે કે યુવાનો પોતાની જિંદગીની કિંમત ભૂલી રહ્યા છે. તિથલ બીચ પર બનેલી આ ઘટનામાં પણ યુવક માત્ર થોડી સેકન્ડના વીડિયો માટે મોતના મુખમાં જઈને ઊભો રહ્યો હતો.

આ અગાઉ પણ ગુજરાતના અલગ-અલગ દરિયા કિનારે આવી લાપરવાહીને કારણે અનેક યુવાનોએ પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોજાનો એક સામાન્ય ફટકો પણ જો તે યુવકનું સંતુલન બગાડી દેત, તો તે સીધો ઊંડા સમુદ્રના પ્રવાહમાં ફેંકાઈ ગયો હોત અને તેને બચાવવો સ્થાનિક લાઈફગાર્ડ માટે પણ અશક્ય બની જાત.

 

સમુદ્ર વિજ્ઞાનના નિષ્ણાતો અને સ્થાનિક માછીમારોના જણાવ્યા અનુસાર, મોટી ભરતી સમયે દરિયા કિનારે પાણી સામાન્ય દિવસો કરતાં ખૂબ જ ઊંચા દબાણ અને અત્યંત તીવ્ર વેગ સાથે આગળ વધે છે આ સમયે જ્યારે મોજું કિનારે આવેલી પથ્થરની દીવાલ કે દાદર સાથે અથડાય છે ત્યારે તેનો ફોર્સ ડબલ થઈ જાય છે.

સૌથી મોટું જોખમ એ છે કે જ્યારે આ પાણી કિનારે ભટકાઈને પરત ફરે  છે, ત્યારે તે પોતાની સાથે જમીન પર રહેલી કોઈપણ વસ્તુ કે વ્યક્તિને અત્યંત ઝડપથી પાછળ તરફ ખેંચી જાય છે. આ અંડરકરન્ટ એટલો મજબૂત હોય છે કે સારો સ્વિમર પણ તેની સામે ટકી શકતો નથી. તિથલના કિનારે પ્રોટેક્શન વોલ પાસે પાણી ઊંડું હોવાને કારણે પથ્થરો સાથે ભટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજા થવાનું જોખમ પણ સતત બનેલું રહે છે.

વલસાડ જિલ્લા આપદા પ્રબંધન સમિતિ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે આગામી થોડા દિવસો સુધી સમુદ્રમાં આવી જ મોટી ભરતીનો સિલસિલો યથાવત રહેવાની સંભાવના છે આથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિનારાની નજીક જવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

(7:54 PM IST)