<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં કરોડોની ગેરરીતિના આક્ષેપ, પશુપાલકો પહોંચ્યા સચિવાલય, વહીવટદાર નીમવાની માંગ

પશુદાણ ખરીદીમાં ભાવફેર, ટેન્ડરમાં સગાવાદ, ભરતી-પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપ - દર મહિને 40 કરોડના નુકસાનનો દાવો, 200 દૂધ મંડળીઓએ કર્યો ઠરાવ

ગાંધીનગર / હિંમતનગર તા.૨૩ : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં કરોડો રૂપિયાની ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે પશુપાલકો સચિવાલય પહોંચ્યા છે. સૂચિત ગુજરાત પશુપાલક સમાજ એસોસિએશન દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી વહીવટદાર નીમવાની માંગ કરવામાં આવી છે.

 

સાબર ડેરી 1,800 દૂધ મંડળીઓ અને સાડા ત્રણ લાખ પશુપાલકોની સંસ્થા છે, કોઈ વ્યક્તિની અંગત મિલકત નથી, એવો સ્પષ્ટ સૂર પશુપાલકોએ વ્યક્ત કર્યો છે.

1. પશુદાણ ખરીદીમાં ભાવફેર :

પશુદાણના ઉત્પાદનમાં વપરાતા બાયપાસ ફેટ (99%) ની ખરીદીમાં મોટો ભાવફેર સામે આવ્યો છે. દસ્તાવેજો મુજબ સાબર ડેરીએ આ પ્રોડક્ટ પ્રતિ લાખ રૂ. 1.66 લાખના ભાવે ખરીદી છે, જ્યારે દૂધસાગર ડેરીએ આ જ પ્રોડક્ટ પ્રતિ લાખ રૂ. 1.28 લાખના ભાવે ખરીદી છે. સનરાઈઝ ટ્રેડવર્લ્ડ અને મહાકાળી એગ્રો જેવી કંપનીઓ સાથેના વ્યવહારોમાં પણ વિસંગતતા હોવાનો આક્ષેપ છે. આ રીતે દર મહિને અંદાજે રૂ. 40 કરોડનું નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

2. વજનમાં ફેરફાર :

સાબરદાણ ફેક્ટરીમાં બિલમાં દર્શાવેલા માલના વજન અને વાસ્તવિક માલના વજન વચ્ચે મોટો તફાવત હોવાનો આક્ષેપ છે. આ મામલે કોન્ટ્રાક્ટર બાબુભાઈ પુરોહિતની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવી સ્વતંત્ર ઓડિટની માંગ કરાઈ છે.

 

3. દૂધના ભાવમાં અન્યાય :

પશુપાલકોને દૂધના ભાવમાં માત્ર 15% જેટલો જ નજીવો વધારો મળ્યો છે, જ્યારે ડેરી પ્રોડક્ટના ભાવમાં 50% થી વધુ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 12 મહિનામાં 12 વખત ભાવ વધારો કરાયો હોવાનો પણ આક્ષેપ છે.

 

4. ટેન્ડર - ભરતીમાં સગાવાદ :

ભરતી, પ્રમોશન અને વિવિધ ટેન્ડર પ્રક્રિયામાં ખુલ્લેઆમ સગાવાદ ચલાવવામાં આવી રહ્યો છે. લાયકાતના બદલે વ્યક્તિગત ઓળખાણને પ્રાથમિકતા આપી નિર્ણયો લેવાતા હોવાનો અને ચોક્કસ કંપનીઓને જ અયોગ્ય રીતે આર્થિક લાભ પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ છે.

 

5. ભાવફેરની ઓડિયો ક્લિપ વાયરલ :

ચેરમેનની ચૂંટણી પહેલા ભાવફેરના રૂપિયાના વ્યવહારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં 30 રૂપિયાના દૂધના 32 રૂપિયા આપી વધારાના 2 રૂપિયા પરત મેળવી લેવાની વાત હોવાનો દાવો કરાયો હતો. જોકે આ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 

પશુપાલકોની શું છે માંગ ?

 

- છેલ્લા 5 વર્ષના હિસાબી રેકોર્ડની ફોરેન્સિક તપાસ કરો

- પશુદાણ ખરીદી, દૂધની ગુણવત્તા અને નકલી દૂધના શંકાસ્પદ કારોબારની સઘન તપાસ કરો

- દૂધ સંજીવની પ્રોજેક્ટની ગ્રાન્ટ અને કોન્ટ્રાક્ટનું ઓડિટ કરો

- તમામ રેકોર્ડ સુરક્ષિત રાખો

- નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરો અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી વહીવટદાર નીમો

 

200 દૂધ મંડળીઓએ સત્તામંડળ વિરુદ્ધ ઠરાવ કર્યો હોવા છતાં કાર્યવાહી ન થતાં પશુપાલકોમાં રોષ છે. સાબર ડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન-વાઈસ ચેરમેન પદ માટેની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રખાતા પણ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

 

હવે સચિવાલય અને તંત્ર આ મામલે શું નિર્ણય લેશે, તેના પર સૌની નજર છે.

(4:02 PM IST)