<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ભારતીય સમાજના હિન્‍દુ અને જૈન સમુદાયમાં ગાય પવિત્ર અને રક્ષણને પાત્ર : હાઈકોર્ટ

ગૌહત્‍યા અને ગૌમાંસને ટ્રાન્‍સપોર્ટ કરવાના આરોપીના જામીન રદ કરતી હાઇકોર્ટ

અમદાવાદ તા.૧: ગેરકાયદે ગૌહત્‍યા અને ગૌમાંસના પરિવહનના આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા હાઈકોર્ટના જાસ્‍ટિસ એચ.ડી.સુથારે એવું મહત્ત્વપૂર્ણ તારણ આપ્‍યું છે કે ભારતીય સમાજના એક મોટા વર્ગ, જેમાં હિન્‍દુ અને જૈન સમુદાયના સભ્‍યોનો પણ સમાવેશ થાય છે, તેઓ ગાયને પવિત્ર અને રક્ષણને પાત્ર માને છે. કોર્ટ આ હકીક્‍તથી અજાણ રહી શકે નહીં, તેથી ગૌહત્‍યાના ગુનાઓમાં વારંવાર સંડોવણી જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને સ્‍થાનિકોમાં સામાજિક તણાવ પેદા કરી શકે છે.

આસમગ્રમામલે હાઈકોર્ટના જાસ્‍ટિસ સુધારે મોહમ્‍મદ આરીફ અબ્‍દુલ રઝલ સમોલની જામીન અરજી રદ કરી હતી. જેની ધરપકડ આ વર્ષે જાન્‍યુઆરીમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે જામીન અરજી રદ કરવા પાછળ એવું કારણ પણ દર્શાવ્‍યું હતું કે આરોપી આ પ્રકારના ગુનાને દોહરાવતો રહ્યો છે, ત્‍યારે તેને જામીન પર મુક્‍ત કરવાની વિનંતી કરતા સમાજના હિતની ચિતા કરવી જરૂરી બની જાય છે. કોર્ટે આદેશમાં નોંધ્‍યું હતું કે, અરજદારના પૂર્વના ગુનાઓ તેના વારંવાર આવા ગુના કરવાના સંકેત આપે છે અને પ્રથમ દ્રષ્ટિએ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સ્‍વતંત્રતાનો દુરૂપયોગ દર્શાવે છે. તેથી આ કેસની હકીકતો જોતા અરજદારને નિયમિત જામીન આપવા કરતા સામાજિક હિત વધુ મહત્‍વનું જણાય છે.

હાઇકોર્ટે આદેશમાં એમ પણ નોંધ્‍યું હતું કે, ભારતીય સમાજનો એક વર્ગ ગાયને પવિત્ર અને રક્ષણને પાત્ર માને છે, જેમાં હિન્‍દુ અને જૈન સમુદાયના સભ્‍યોનો પણ સમાવેશ થાય છે. તેવા સમયે આ પ્રકારના ગુનાઓમાં વારંવાર સંડોવણી જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને સામાજિક તણાવ પેદા કરી શકે છે. કાયદાનો ઉદેશ્‍ય ગૌવંશને બચાવવા અને સુરક્ષિત રાખવાનો છે અને તેથી જામીન પર છૂટયા પછી ફરી આવા ગુનાઓમાં વારંવાર સંડોવણીને આ કોર્ટ હળવાશથી અવગણી શકે નહીં.

કોર્ટે એમ પણ નોંધ્‍યું હતું કે પ્રથમ દષ્ટિએ આ કેસમાં થયેલાં આરોપો ગેરકાયદેસર કતલ અને ગૌવંશના પરિવહન સંબંધિત ગુનાઓમાં અરજદારની વારંવાર સંડોવણી દર્શાવે છે. આવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાના ઉદ્દેશ્‍ય અને હેતુને જ હરાવતી નથી પરંતુ જાહેર વ્‍યવસ્‍થા અને સાંપ્રદાયિક સુમેળને પ્રતિકૂળ અસર કરવાની પણ સંભાવના ધરાવે છે. તેથી અરજદારને જામીન પર મુક્‍ત કરી શકાય નહીં.

ઉલ્‍લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ગોધરા ટાઉન બી ડિવીઝનમાં FIR નોંધાઈ હતી. જે મામલે જામીન મેળવવા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કહ્યું હતું કે તે છેલ્‍લા છ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. તેથી હવે આરોપી જોડેથી કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. ટ્રાયલને પૂર્ણ થવામાં પણ સમય લાગી શકે છે.

જોકે સરકારે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અરજદાર આરોપીની અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવણી સામે આવેલી છે. તે ગેરકાયદે પ્રવૃત્તિમાં સહભાગી છે અને આ પ્રવૃત્તિ સામાજિક સૌહાર્દ બગાડી શકે એમ છે. તેથી તેને જામીન ન આપવા જોઈઅ.

 

(1:45 PM IST)