<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમદાવાદના શાહીબાગમાં ઘોડાકેમ્પ રોડ પાસે દેશી દારૂના અડ્ડા પર રેડ :બે આરોપીની ધરપકડ

પોલીસે ઓટો રિક્ષા અને મોબાઈલ સહિત રૂ. 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂના દૂષણને ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પીસીબી (PCB - સ્ટેટ મોનિટરિંગ સેલ/પોલીસ કમિશનર બ્રાંચ) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીસીબીની ટીમે શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડાકેમ્પ રોડ પર સદભાવ સોસાયટી ત્રણ રસ્તા પાસે ધમધમતા દેશી દારૂના અડ્ડા પર અચાનક રેડ કરવામાં આવી હતો. પોલીસની આ આકસ્મિક રેડના પગલે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ગેરકાયદેસર રીતે દેશી દારૂનો વેપાર કરતા અને અડ્ડો ચલાવતા બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાહુલ સહારે અને રવી ઠાકોર તરીકે થઈ છે. આ બંને શખ્સો લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

પીસીબીની ટીમે દરોડા દરમિયાન અડ્ડા પરથી દારૂના જથ્થા ઉપરાંત હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.35 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. હાલ આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને, આ નેટવર્કમાં અન્ય કયા શખ્સો સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:26 PM IST)