<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વડોદરા જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢીયારે પદ પરથી રાજીનામું આપ્યું

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ:નૈતિક જવાબદારી સ્વીકારતા જસપાલસિંહ પઢીયારે પ્રદેશ નેતૃત્વને પોતાનું રાજીનામું મોકલી આપ્યુ

સમગ્ર રાજ્યની સાથે વડોદરા જિલ્લામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ જતાં પક્ષમાં આંતરિક વિખવાદ અને નારાજગી સપાટી પર આવી છે. પરિણામોના ગણતરીના કલાકોમાં જ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢીયારે પોતાના પદેથી રાજીનામું ધરી દીધું છે.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. આ નિરાશાજનક પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારતા જસપાલસિંહ પઢીયારે પ્રદેશ નેતૃત્વને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અપેક્ષા મુજબના પરિણામો ન મળતા તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી હતી, પરંતુ પરિણામો બાદ હવે હારનો ઠીકરું એકબીજા પર ફોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જસપાલસિંહના રાજીનામા બાદ વડોદરા કોંગ્રેસમાં હવે નવા સંગઠન માળખાને લઈને ચર્ચાઓ તેજ બની છે. હાર બાદ શરૂ થયેલા રાજીનામાના દોરને કારણે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

(12:50 AM IST)