<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિએ સ્વચ્છ અને હરિત એકતા નગરનો સંકલ્પ : 73 હજાર ટનથી વધુ કચરાનો સંગ્રહ

જૂન-2026 સુધીમાં 58 હજાર ટન જૂના કચરાનું વૈજ્ઞાનિક પ્રોસેસિંગ, 38 હજાર ટન ખાતરનું ઉત્પાદન, SOU વિસ્તારના 19 ગામોમાં 7.16 લાખ ચો.મી.માં સ્વચ્છતા વ્યવસ્થા

એકતા નગર તા.24 : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે નર્મદા જિલ્લાના એકતા નગરમાં સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલી કામગીરી વિશેષ મહત્ત્વ ધરાવે છે.

વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં વિકસિત થઈ રહેલું એકતા નગર પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. અહીં પ્રવાસીઓની સુવિધા, જાહેર સ્થળોની સ્વચ્છતા અને પ્રાકૃતિક પરિસરના જતનને પ્રાધાન્ય આપીને સ્વચ્છ અને ટકાઉ પ્રવાસન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

એકતા નગરમાં ઘન કચરાના સંગ્રહના આંકડા સ્વચ્છતા માટેના સતત પ્રયાસોની ઝાંખી કરાવે છે.

 

- વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિના: 2,825.4 મે.ટન

- વર્ષ 2022: 15,135.114 મે.ટન

- વર્ષ 2023: 14,168.53 મે.ટન

- વર્ષ 2024: 15,615.97 મે.ટન

- વર્ષ 2025: 17,182.354 મે.ટન

- વર્ષ 2026 (જાન્યુઆરીથી જૂન): 8,868.285 મે.ટન

આમ જૂન-2026 સુધીમાં કુલ 73,795.653 મેટ્રિક ટન ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.

કચરાના યોગ્ય નિકાલની સાથે ઉપયોગી સંસાધનોમાં રૂપાંતર પણ મહત્ત્વપૂર્ણ છે. ઉપલબ્ધ પ્રોસેસિંગના આંકડા મુજબ કુલ 58,812.075 મેટ્રિક ટન જૂના કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 38,990.02 મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન થયું છે. ઉપરાંત 15,852.26 મેટ્રિક ટન RDF તથા ઇનર્ટ મટિરિયલ અને 3,969.8 મેટ્રિક ટન અન્ય સામગ્રી નોંધાઈ છે.

એકતા નગરમાં સ્વચ્છતા વ્યવસ્થાના સંચાલન માટે આશરે 7.16 લાખ ચોરસ મીટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી વિસ્તારના 19 ગામોમાં આ કામગીરી માટે 01 સેનેટરી સુપરિન્ટેન્ડેન્ટ, 10 સેનેટરી ઇન્સ્પેક્ટર, 80 કર્મચારીઓ અને 6 સુપરવાઇઝરની ટીમ કાર્યરત છે.

કચરાના યોગ્ય વ્યવસ્થાપન, સંસાધનોના પુનઃઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણથી સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું ઉદાહરણ બની રહ્યું છે એકતા નગર.

(3:25 PM IST)