News of Wednesday, 15th July 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 149મી રથયાત્રાને લઈને શહેર ટ્રાફિક પોલીસ સજ્જ :1500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે
શહેરની અન્ય 6 રથયાત્રાનું પણ ટ્રાફિક વિભાગ દ્વારા સુપરવિઝન કરાશે :સુરક્ષા વ્યવસ્થામાં 1 JCP, 4 DCP, 6 ACP, 18 PI, 30 PSI અને 800 ટ્રાફિક પોલીસ કર્મીઓ ઉપરાંત 300 હોમગાર્ડ અને 350 TRB મળીને કુલ 1500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 149મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 16 કિલોમીટરના લાંબા રથયાત્રા રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોને અગવડતા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર ટ્રાફિક એડમીન DCP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય રથયાત્રાની સાથે શહેરની અન્ય 6 રથયાત્રાનું પણ ટ્રાફિક વિભાગ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 1 JCP, 4 DCP, 6 ACP, 18 PI, 30 PSI અને 800 ટ્રાફિક પોલીસ કર્મીઓ ઉપરાંત 300 હોમગાર્ડ અને 350 TRB મળીને કુલ 1500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત, 23 ક્રેન, 9 ઈન્ટરસેપ્ટર વાહનો અને પેટ્રોલિંગ કાર પણ તૈનાત કરવામાં આવી છે.
ટ્રાફિક વિભાગ દ્વારા 6 રૂટ ડાઈવર્ઝન અને પ્રતિબંધિત રૂટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે શહેરીજનોને સહકાર આપવા અપીલ કરી છે. છેલ્લા 45 દિવસથી પોલીસ કર્મચારીઓ સતત ફરજ પર છે અને કોઈ પણ પ્રકારની અગવડતા નાગરિકોને ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. VVIP મુવમેન્ટને ધ્યાનમાં રાખીને પણ સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
