News of Friday, 11th September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સૈનિકોના સન્માનમાં મોટો નિર્ણય : સરહદના રક્ષકો, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને ગામડામાં પોતાના રહેણાંક ઘરના ‘મિલકત વેરા’માંથી મળશે સંપૂર્ણ મુક્તિ
‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’ માં સુધારો કરીને નવો કાયદો જાહેર કરાયો : ગ્રામ પંચાયત વિસ્તારમાં માલિકીની કે ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકત પર કર રાહતનો સીધો આર્થિક લાભ મળશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર રાત-દિવસ ફરજ બજાવતા સંરક્ષણ દળોના જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’ માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને ‘પંચાયત કર’ માંથી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જોગવાઈ કરી છે.
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારોમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈનો સીધો હેતુ સૈનિકો અને તેમના પરિવારોના રહેણાંક મકાનને રાહત આપવાનો છે, જેનાથી જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત મળવાની સાથે રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવના વ્યક્ત થાય છે.
ખાસ કરીને શહીદોની વિધવાઓ માટે કરવામાં આવેલી આ જોગવાઈ સરકારની ઉમદા સંવેદનશીલતા દર્શાવે છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનના પરિવારને પોતાના રહેણાંક મકાન માટે કરમુક્તિ આપીને રાજ્ય સરકારે શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ કરમુક્તિનો લાભ અન્ય કોઈ વ્યવસાયિક હેતુ માટે નહીં પરંતુ માત્ર પોતાના રહેણાંક ઉપયોગ માટેના એક જ મકાન પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે.
આ નિર્ણયને આખરી ઓપ આપતા પહેલાં રાજ્ય સરકારે નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કર્યા હતા. ડિસેમ્બર 2025 માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં આ ડ્રાફ્ટ નિયમો જાહેર કરીને સંબંધિત નાગરિકો અને અધિકારીઓ પાસેથી વાંધા તેમજ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાપ્ત થયેલા તમામ વાંધા અને સૂચનો પર યોગ્ય વિચારણા કરીને સરકારે અંતિમ સુધારા નિયમો તૈયાર કર્યા છે.
ગુજરાત પંચાયતો અધિનિયમ, 1993 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે 'Gujarat Gram and Nagar Panchayats Taxes and Fees (Amendment) Rules, 2026' જાહેર કર્યા છે. આ સુધારા નિયમો સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી રાજ્યભરમાં અમલમાં આવી જશે. સરહદ પર દેશની રક્ષા કરનાર જવાનો, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોના પરિવારો અને નિવૃત્ત જવાનોના રહેણાંક મકાનને પંચાયત વેરામાંથી મુક્તિ આપીને રાજ્ય સરકારે "દેશની રક્ષા કરનારના પરિવારની જવાબદારી પણ અમારી" એવી ભાવનાનો મજબૂત સંદેશ આપ્યો છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
