<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વડનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓ સાથે સાધ્યો જીવંત સંવાદ : શાળા પ્રવેશોત્સવના અવસરે મુખ્યમંત્રીએ વડનગરની ઐતિહાસિક શાળાના નવતર શૈક્ષણિક પ્રકલ્પનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આદ્યશાળા હવે ‘પ્રેરણા’ના માધ્યમથી દેશના યુવાધન માટે બની માર્ગદર્શક : વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ વિશે મુખ્યમંત્રીએ મેળવી વિસ્તૃત જાણકારી

વડનગર તા.૨૩ : મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ‘પ્રેરણા સંકુલ’ની ગરિમાપૂર્ણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંકુલના પરિસરનું નિરીક્ષણ કરી ત્યાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું અવલોકન કર્યું હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવી તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.

 

પ્રેરણા સંકુલ એ વડનગરની એ જ ઐતિહાસિક પ્રાથમિક શાળાના ભવનના જીર્ણોદ્ધારની એક અનોખી પહેલ છે, જ્યાં દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૧૮૮૮માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતામાં વિકાસ તેમજ પરિવર્તનની પ્રેરણાદાયી ભાવનાને મજબૂત કરવાનો છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ મુજબ ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે.

 

આ પ્રેરણા સંકુલમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું અનુભવાત્મક શિક્ષણ આપવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે. આ કાર્યક્રમ ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

(3:19 PM IST)