News of Saturday, 18th July 2026
વડોદરાના ભાયલી વિસ્તારમાં 3 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ
બાળકના લોહીના સેમ્પલ એકત્રિત કરી નિદાનની પુષ્ટિ કરવા માટે આ સેમ્પલોને વધુ તપાસ અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુના અને ગાંધીનગરની નિષ્ણાત લેબોરેટરીમાં મોકલી અપાયા

વડોદરાના ભાયલી વિસ્તારમાં 3 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં અને આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેરનો આ પ્રથમ શંકાસ્પદ કેસ હોવાનું સામે આવતા જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી સક્રિય થઈ ગયું છે. ભાયલી વિસ્તારના આ બાળકને અચાનક બીમારીના લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રીની જીએમઇઆરએસ (GMERS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલના તબીબો દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબી ટીમે કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના તાત્કાલિક બાળકના લોહીના સેમ્પલ એકત્રિત કર્યા છે. નિદાનની પુષ્ટિ કરવા માટે આ સેમ્પલોને વધુ તપાસ અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુના અને ગાંધીનગરની નિષ્ણાત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી વધારી દેવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે સેન્ડફ્લાય (રેતીના માખી) દ્વારા ફેલાતો હોવાનું માનવામાં આવે છે, જે ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ સક્રિય હોય છે.
આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, આ વાયરસના લક્ષણો જેવા કે તાવ, ઉલટી, ખેંચ આવવી કે ભાન ગુમાવવું જેવા ચિહ્નો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તંત્ર દ્વારા હાલમાં સાવચેતીના પગલાં તરીકે અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વાલીઓને વિનંતી છે કે તેઓ બાળકોના સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન દાખવે અને સ્વચ્છતા જાળવે. પુના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની સ્પષ્ટતા થશે, પરંતુ ત્યાં સુધી આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી રાખવાનો નિર્ણય કર્યો છે. લોકોએ અફવાઓથી દૂર રહીને તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
