News of Thursday, 12th November 2026
રાજકોટના હિરાસર અને વડોદરા એરપોર્ટને કેન્દ્ર સરકારની મોટી ભેટ : બંને એરપોર્ટનો 'કેટેગરી-૧' ઇમિગ્રેશન એરપોર્ટની યાદીમાં કરાયો સત્તાવાર સમાવેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેઝેટ ઓફ ઇન્ડિયામાં અધિસૂચના પ્રસિદ્ધ કરી : સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, વેપારીઓ અને વિદેશ પ્રવાસ કરતા નાગરિકો માટે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટીનો માર્ગ મોકળો થયો

રાજકોટ: સૌરાષ્ટ્રના હવાઈ ઉડ્ડયન અને વિકાસના ઈતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ અધ્યાય ઉમેરાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ગુજરાતના વડોદરા એરપોર્ટને 'ઇમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-૧' ની યાદીમાં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ બંને એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશન માટેની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગત ૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ ભારતના રાજપત્ર એટલે કે ગેઝેટ ઓફ ઇન્ડિયામાં આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, ૨૦૨૫ની કલમ-૪ની પેટાકલમ (૧) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અગાઉ ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી મૂળ અધિસૂચનામાં સુધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના અધિક અગ્રસચિવ નિતેશ કુમાર વ્યાસની સહી સાથે પ્રસિદ્ધ થયેલા આ નવા સુધારા મુજબ, કેટેગરી-૧ના ઇમિગ્રેશન એરપોર્ટની યાદીમાં ક્રમ નંબર ૪૦ પર રાજકોટ હિરાસર (ગુજરાત) અને ક્રમ નંબર ૪૧ પર વડોદરા (ગુજરાત) એરપોર્ટને સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય વ્યાપારિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ હોવાથી અહીંથી દેશ-વિદેશમાં અવરજવર કરતા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે. હિરાસર એરપોર્ટને કેટેગરી-૧ ઇમિગ્રેશન એરપોર્ટનો દરજ્જો મળવાથી ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, નિકાસકારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીયો (NRI) માટે આગામી સમયમાં હવાઈ મુસાફરી અત્યંત સુગમ બનશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હિરાસર અને વડોદરા એરપોર્ટ પર ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇમિગ્રેશન સુવિધાઓ વિકસાવવા અને વિદેશી હવાઈ જોડાણો સ્થાપવા માટેનો માર્ગ મોકળો થયો છે. જોકે, હાલ પૂરતી આ અધિસૂચના દ્વારા બંને એરપોર્ટનો કેટેગરી-૧ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ થવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, આ મહત્વપૂર્ણ મંજૂરીથી ગુજરાતના હવાઈ પરિવહન માળખાને નવી ઊર્જા મળી છે અને રાજકોટને ટૂંક સમયમાં વૈશ્વિક હવાઈ નકશા પર સીધી કનેક્ટિવિટી મળવાની આશાઓ પ્રબળ બની છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
