News of Friday, 11th September 2026
સુરતના અડાજણમાં ગુજરાત ગેસ કંપની ખાતે લેવલ-3 ઇમરજન્સી હેઠળ બોમ્બ થ્રેટ મોકડ્રિલ યોજાઈ
એલાર્મ વાગતાં જ કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયા:પોલીસ, ફાયર બ્રિગેડ, 108 અને BDDS ની ટીમોએ સ્નિફર ડોગની મદદથી શંકાસ્પદ બોમ્બ શોધી સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યો: મોકડ્રિલ બાદ સુરક્ષા એજન્સીઓના રિસ્પોન્સ ટાઈમનું મૂલ્યાંકન કરાયું

સુરતમાં શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા અને કટોકટીના સંજોગોમાં વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની સમીક્ષા કરવા માટે સુરત શહેર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. સુરતના અડાજણ સ્થિત અતિ સંવેદનશીલ ગણાતી ગુજરાત ગેસ ની કચેરી ખાતે અચાનક બોમ્બ હોવાની બાતમી મળતા જ નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, થોડા સમય બાદ આ કોઈ વાસ્તવિક ઘટના નહીં, પરંતુ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે યોજાયેલી લેવલ-3 ઇમરજન્સી બોમ્બ થ્રેટ મોકડ્રિલ હોવાનું સામે આવ્યું હતું.
મોકડ્રિલની યોજના અનુસાર પરિસરમાં શંકાસ્પદ બોમ્બનું કૃત્રિમ સિમ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું હતું. ગેસ કંપનીના પરિસરમાં કટોકટીનું ઇમરજન્સી એલાર્મ વાગતાની સાથે જ સ્ટાફ સતર્ક થઈ ગયો હતો. સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરીને ઓફિસ પરિસરમાં હાજર રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મિનિટોમાં સુરક્ષિત રીતે ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર ખુલ્લા મેદાનમાં ખસેડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કંપનીની આંતરિક ડિઝાસ્ટર ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.
કંપની પરિસરમાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળ્યો હોવાની માહિતી કંટ્રોલ રૂમમાં પહોંચતા જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેની સાથે તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમો સાયરન વગાડતી સ્થળ પર પહોંચી હતી. પોલીસે તકેદારીના ભાગરૂપે કચેરીના તમામ પ્રવેશદ્વારો બંધ કરી આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બેરિકેડિંગ કરી દીધું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે બીડીડીએસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. BDDS ના જવાનોએ પ્રશિક્ષિત સ્નિફર ડોગ અને અત્યાધુનિક ડિટેક્શન સાધનોની મદદથી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટીમે શંકાસ્પદ પેકેટને શોધી કાઢ્યું હતું અને સલામત પ્રોટોકોલનું પાલન કરીને તેને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધું હતું.
આ સફળ મોકડ્રિલ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગુજરાત ગેસના સુરક્ષા અધિકારીઓએ સમગ્ર કામગીરીનું સઘન મૂલ્યાંકન કર્યું હતું. કોલ મળ્યા પછી વિવિધ વિભાગોનો રિસ્પોન્સ ટાઈમ, કર્મચારીઓનું ઇવેક્યુએશન અને સંકલન કેટલું ઝડપી રહ્યું તેની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. કટોકટીની ઘડીમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે આ પ્રકારની મોકડ્રિલ અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
