<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અમદાવાદની જાણીતી સ્પોર્ટ્સ ક્લબમાં દાઉદ અને લશ્કરના નામે બોમ્બની ધમકી : વિદેશી ઉદ્યોગપતિઓ રોકાયા હતા તે રૂમના કબાટમાંથી પેન્સિલથી લખેલી નોટ મળતાં હડકંપ

૨૧ જૂને બ્લાસ્ટની ચેતવણી : સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

અમદાવાદ:  ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં શાળાઓ બાદ હવે હાઈપ્રોફાઈલ સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબના રૂમમાંથી પેન્સિલથી લખેલી એક અત્યંત ચોંકાવનારી નોટ મળી આવી છે, જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના નામનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકીભરી ચિઠ્ઠીમાં આગામી ૨૧ જૂનના રોજ ક્લબ પરિસરમાં ભયાનક બોમ્બ બ્લાસ્ટ કરવાની ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે. ઉનાળાના વેકેશનને કારણે ક્લબમાં સભ્યો અને મુલાકાતીઓની ભારે ભીડ રહેતી હોવાથી આ ઘટનાએ સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

આ સમગ્ર હાઈ-વોલ્ટેજ ડ્રામા પાછળનું કનેક્શન વિદેશી મહેમાનો અને એક સ્થાનિક ડૉક્ટર સાથે જોડાઈ રહ્યું છે, જેણે રહસ્ય વધુ ઘેરૂં બનાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જે રૂમના કબાટમાંથી આ ધમકીભરી નોટ મળી, તે ડૉક્ટર પલક નામના વ્યક્તિના નામે બુક કરવામાં આવ્યો હતો. આ રૂમમાં ગત ૨૯ મેના રોજ ત્રણ વિદેશી ઉદ્યોગપતિઓ આવીને રોકાયા હતા અને ૩૦ મેના રોજ તેઓ રૂમ ખાલી કરીને ચેક-આઉટ કરી ગયા હતા. વિદેશી મહેમાનોના ગયા પછી જ્યારે સફાઈ કર્મચારીઓ રૂમ સાફ કરવા અંદર ગયા, ત્યારે કબાટમાંથી આ પેન્સિલ લખિત ચિઠ્ઠી મળી આવતાં ક્લબ પ્રશાસનના હોશ ઊડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ધમકીની ગંભીરતાને જોતાં જ અમદાવાદ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ડોગ સ્ક્વોડની કાફલો ઘટનાસ્થળે તૂટી પડ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ સળંગ બે કલાક સુધી સમગ્ર ક્લબ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જોકે સદનસીબે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. ડીસીપી ઝોન-૧ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રૂમમાં રોકાયેલા ત્રણેય વિદેશી બિઝનેસમેન હજુ ભારતમાં જ હોવાથી અને આ નોટ પાછળ કોનો અસલી ભેજાબાજ મગજ છે તે શોધવા માટે ક્લબના CCTV ફૂટેજ, વિઝિટર રજિસ્ટર અને ટેકનિકલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(6:09 PM IST)